અમદવાદમાં ભાજપના મુસ્લિમ કોર્પોટરે હિન્દુ નામ ધારણ કરી, દસ્તાવેજ-જન્મતારીખ ખોટા રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાનું કૌંભાડ સામે આવ્યું છે. આ મામલે કોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
નોંધનીય છે કે વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવરંગપુરા વોર્ડમાંથી ભાજપ ઉમેદવાર નિરવ કવિની જીત થઇ હતી. જો કે કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જય પટેલે આ જીતને પડકારી અને દાવો કર્યો હતો કે નિરવ કવિ મુસ્લિમ છે, પોતાનું નામ અને મુસ્લિમ ઓળખ છુપાવી એ ચૂંટણી લડ્યા હતા. આ મામલામાં 4 વર્ષ ચાલેલી પ્રક્રિયામાં કોર્ટે નિરવ કવિ સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે નિરવ કવિ મુસ્લિમ હોવા છતાં ખોટું નામ, જાતિ અને ધર્મ બદલી ચૂંટણી લડ્યા હતા. નિરવ જગદીશભાઈ કવિની જાતિ મુસલમાન રાજકવિ મીર છે. નિરવ કવિએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી ચૂંટણી પંચ સાથે જનતાને ગેરમાર્ગે દોરી છે.
વધુમાં હિંમતસિંહ કહ્યું કે વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એમણે ઉમેદવારી ફોર્મમાં પોતાની જન્મતારીખ 11/11/77 દર્શાવી હતી, જયારે એમની સાચી જન્મતારીખ 1/6/75 છે. આ ખોટી જન્મતારીખના આધારે એમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવ્યા હતા. જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં એમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપેલી, પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતાં અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં.23માં ક્રિમીનલ કેસ IPCની કલમ 191, 192, 193, 196, 414, 420 મુજબ 2721/2021 નંબરનો ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં નિરવ કવિની સાચી જન્મ તારીખ 1/6/1975 સાચી છે એ સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનું જનરલ રજીસ્ટરના રેકર્ડ સાથે કોર્ટમાં જુબાની આપી હતી. અને જન્મ તારીખ 1/6/1975 છે એ સાબિત કરી હતી છતાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ્દ કરી કરી હતી. જેથી અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં નંબર 16/2023થી ક્રિમીનલ રીવીઝન દાખલ કરી હતી.
બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ સેસન્સ જજ એમ.પી. પુરોહિતે 21-10-2024ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ્દ કરી ભાજપના કોર્પોરેટર નિરવ કવિ સામે ઉપરોક્ત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ કર્યો છે.