અમદાવાદઃ ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોક વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા ઘરઘર સંપર્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઘરઘર સંપર્કને જનતાનો પ્રચંડ આવકાર મળી રહ્યો છે. ‘વંદે માતરમ્’ ‘ભારત માતા કી જય’ના નારા સાથે કાર્યકરો જનતાની વચ્ચે જઇ રહ્યા છે.
ગાંધીનગર મતવિસ્તાર એ હંમેશા રાષ્ટ્રીય નેતૃત્વને ખોબલે-ખોબલે મત આપીને સક્ષમ અને મજબૂત ભારત બનાવવામાં સહયોગ આપતું આવ્યું છે. એપ્રિલ ૨૩ ૨૦૧૯ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના રાષ્ટ્રવાદી મતદારો માટે સોનામાં સુગંધ ભળી છે. ભાજપાના નારણપુરા વિસ્તારના બૂથલેવલના કાર્યકરથી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સફળ કાર્ય કરી રહેલા અમિતભાઇ શાહ લોકસભાના ઉમેદવાર તરીકે મળ્યા છે. ગાંધીનગર બેઠક પરથી અમિતભાઇ શાહને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કાર્યકરો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકોનું પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે.
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાંથી ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેઇજી ચૂંટાયા હતા. ભારતના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચૂંટાયા હતા. ૨૩ મેના રોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ પણ જંગી બહુમતીથી વિજેતા થશે તેવો વિશ્વાસ કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે.