ગાંધીનગર- બિટકોઇન કેસમાં આગળ વધી રહેલી તપાસનો રેલો મોટા માથાં સુધી પહોંચી રહ્યો છે. અમરેલીને એસપી જગદીશ પટેલની આ મામલામાં અટકાયત કરી ગાંધીનગર ઊંચકી લવાતાં પોલિસબેડામાં ખળભળાટ મચ્યો છે ત્યાં તેમની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે તેમ છે. દિવસભર ચાલેલી પૂછપરછ બાદ સાંજે તેમની ધરપકડ જાહેર કરવામાં આવી હતી. જોકે એસપી જગદીશ પટેલે તેમના પર મૂકાયેલાં આક્ષેપોનો ઇનકાર કર્યો હતો. જ્યારે સીઆઈડી ક્રાઇમે તેમને પુરાવા દર્શાવતાં ધરપકડ કરી હતી.હવે આ કેસમાં તપાસની દિશા નલીન કોટડીયાની પૂછપરછ થવા તરફ તપાસ આગળ વધી રહી છે. એસપી જગદીશ પટેલની વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચને પુરાવા મળ્યાં છે. 2009થી લઇને અત્યાર સુધીમાં કરાયેલા બિટકોઇન ખરીદ-વેચાણના પુરાવા 150 જીબી ડેટા નેટ ખંખોળીને શોધવામાં આવ્યાં છે. ત્યારે પુરાવાના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા એશપી જગદીશ પટેલની ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે.
સૂરતના 12 કરોડના બિટકોઈન કેસમાં CID ક્રાઈમે રવિવારે મોડી રાત્રે 12 વાગે અમરેલીના એસપી જગદીશ પટેલની અટકાયત કરી હતી. શનિવારે તેમને સીઆઈડી ક્રાઈમ બ્રાંચ દ્વારા નિવેદન આપવા માટે ગાંધીનગર બોલાવાયાં હતાં, પરંતુ તેઓ હાજર નહીં થતાં રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રાઈમની ટીમે તેમના સરકારી બંગલે પહોંચી અટકાયત કરી હતી.
ગાંધીનગર લાવીને તેમની સામે પીઆઈ અનંત પટેલને બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ રજિસ્ટરમાં પણ સીઆઈડી ક્રાઈમમાં નોંધ કરી છે કે એસપી જગદીશ પટેલને પૂછપરછ માટે લઈ જવાયા છે. આ કેસમાં અત્યાર સુધી અમુક લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં સીઆઈડી ક્રાઈમે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારીઓ સહિત સૂરતના વકીલની ધરપકડ કરી હતી.