અમદાવાદ– સીઆઈડી ક્રાઈમે બિટકોઈન કૌભાંડમાં શૈલેશ ભટ્ટના મિત્ર અને ભાગીદાર કિરીટ પાલડિયાની ધરપકડ કરી છે. કિરીટ પાલડિયાની ચાર દિવસની પુછપરછ પછી આજે સત્તાવાર રીતે ધરપકડ થઈ છે.પોલીસે શૈલેશ ભટ્ટનું અપહરણ કર્યા પહેલા જ કિરીટ પાલડિયાએ શૈલેશ ભટ્ટના 12 કરોડની કીમતના ડિજિટલ કરન્સી બિટકોઈન વેચી દીધા હોવાનું બહાર આવતાની સાથે જ સીઆઈડીએ તેમની ઘરપકડ કરી છે. પાલડીયાને નાણાભીડ હોવાથી 12 કરોડના બિટકોઈન 10 કરોડ રૂપિયામાં વેચી દીધા હોવાનું સીઆઈડીની તપાસમાં ખુલ્યું હતું.
11 ફેબ્રુઆરીના રોજ સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેમના ભાગીદાર કિરીટ પાલડિયાનું કોબા સર્કલ નજીક રાજધાની હોટલ પાસેથી અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમ દ્વારા અપહરણ કરીને દહેગામ રોડ પર આવેલા મગોડી ગામના કેશવ ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શૈલેષ ભટ્ટને માર મારવામાં આવ્યો હતો. અને 12 કરોડના બિટકોઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને 32 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સુરતના કેતન પટેલ ફાર્મ હાઉસ પર આવ્યા હતા, અને આંગડિયા પેઢી મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરતાં શૈલેશ ભટ્ટ અને કિરીટ પાલડિયાને છોડી દીધા હતા.
પાલડિયાએ બિટકોઈન વેચીને પોલીસને હિસ્સો આપ્યો હતો. સીઆઈડી સમક્ષ પાલડિયાએ કબુલાત કરતાં તેમની ઘરપકડ કરવામાં આવી છે.