કચ્છ- કચ્છના ભચાઉ ખાતે આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ છે. સ્ટીલ બનાવતી જય ભારત કંનીમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં 50 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘાયલ થયેલ કામદારોમાંથી કેટલાકની હાલત વધારે ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા ધમકડા પાસે જયભારત નામની સ્ટીલ કંપની આવેલી છે. આ સ્ટીલ કંપની મોનો કંપની સંચાલિત છે. આ કંપનીમાં આજે બપોરના આશરે 12 વાગ્યાના આસપાસ કંપનીમાં આવેલી ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે કંપનીમાં કામ કરતા 50 જેટલા કામદારો દાઝ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનાના પગલે કંપનીના અધિકારીઓ અને સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો સહિત જે મળ્યુંએ વાહન લઇને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. ભચાઉમાં આવેલી મહેતા હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
જોકે, આ અંગે કંપનીના સેફ્ટી અધિકારીને પૂછતા તેમણે આ વાતને નકારીને દરેક કામદારોની હાલત સ્થિર હોવું જણાવ્યું હતું. ઘટનાના પગલે હોસ્પિટલ અને કંપનીમાં લોકોના ટોળા એકઠાં થયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ અંગે ભઠ્ઠીમાં મેગ્નેટ પડ્યું હોવાના કારણે ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.