અમદાવાદ- છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં ચાઇનીઝ તુક્કલ (સ્કાય લેન્ટર્ન) ઉડાવવાની પ્રથા શરૂ થઇ છે. જેનાથી મોટી દુર્ઘટના અથવા જાનહાનિનો બનાવ બની શકે છે, આથી જાહેર સલામતી અને સુરક્ષા માટે ચાઈનીઝ તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે. આ અનુસંધાને પોલિસ કમિશનર, અમદાવાદ એ.કે.સિંઘે અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાઇનીઝ તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.જો કે પોલીસ કમિશ્નર દ્વારા દર વર્ષે પ્રતિબંધ મુકાય છે, તેમ છતાં અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે સાંજ પડતા ચાઈનીઝ તુક્કલો આકાશમાં ઉડે છે, અને આકાશ રંગબેરંગી તુક્કલથી છવાઈ જાય છે. પોલિસ કમિશ્નરનો પ્રતિંબધ છતાં તુક્કલોનું ગેરકાયદે ધૂમ વેચાણ થાય છે.
અમદાવાદ પોલીસ કમિશનરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩થી મળેલ સત્તાની રૂએ આ પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં પોલીસ કમિશનરની હદમાં આવેલ જગામાં સ્કાય લેન્ટર્નના આયાત, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર તથા કોઇ વ્યક્તિઓને પશુ, પક્ષીઓને, કોઇ મિલકતને ભય, ઇજા, ધાસ્તી થાય એવી રીતે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ ૧૬મી જાન્યુઆરી-૨૦૧૮ સુધી રહેશે. આનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે, તેમ વધુમાં જણાવાયું છે.