સુરતઃ કોરોના વાઇરસના સંક્રમણને કારણે રાજ્યના ઉદ્યોગ-ધંધા પર માઠી અસર પડી છે. શહેરમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગ મૃતપ્રાય સ્થિતિએ પહોંચી ગયો છે. કોરોનાએ એવી ઝાપટ મારી છે કે ઉદ્યોગ સાથે જોડાયેલા 10 લાખ પરિવારો હાલ નવરાધૂપ બન્યા છે. કાપડ ઉદ્યોગ સાથે સંલગ્ન આ વ્યવસાયમાં આગળથી ઓર્ડર નથી મળતો. બીજી બાજુ પેમેન્ટ નથી આવતું. આ ઉદ્યોગમાં 2.25 લાખ મશીનોમાંથી 70થી 90 ટકા મશીનો આજે પણ બંધ છે. આથી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી અને કારીગરોની હાલત કફોડી બની છે.
એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ ઝરીના નામે ચાલતા આ બિઝનેસને કોરોનાનું ગ્રહણ લાગતા અંદાજે 10થી 12,000 કરોડનું નુકસાન થયાનું વેપારીઓ માની રહ્યા છે. બંધ પડેલા મશીનો, કારીગરો વગરની ફેકટરીઓ, ધૂળ ખાઈ રહેલા દોરાના બોબીન અને માલના સ્ટોકનો ભરાવો- આ દ્રશ્યો એમ્બ્રોઇડરી બિઝનેસ સાથે સંકળાયેલી ફેકટરીઓનાં છે.
એમ્બ્રોઇડરી એસોસિયેશનના પ્રમુખ હિતેશભાઈએ જણાવ્યું હતું કે સુરતના અલગ-અલગ વિસ્તારો મળીને બે લાખ કરતાં વધુ મશીનો હાલ કાર્યરત છે, પરંતુ કોરોનાના લીધે થયેલા લોકડાઉન બાદ તેમાંથી 90 ટકા મશીનો બંધ છે. આ ઉદ્યોગમાં કામ કરતા કામદારો વતન ગયા બાદ પરત નથી આવ્યા. સૌથી વધારે મુશ્કેલી આ ઉદ્યોગમાં કામ કરતી ગરીબ મહિલાઓને પડી રહી છે.
તેવામાં રાજ્યના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં હજારો વેપારીઓ અને લાખો કારીગરો આ બિઝનેસ સાથે સંકળાયેલા હોવાથી વેપારીઓ અને ઉદ્યોગની ગાડી પાટેથી ઊતરી ગઈ છે. કોરોનાને કારણે હાલ વેપાર-ધંધો ઠપ થઈ ચૂક્યો છે.