અમદાવાદઃ શહેર ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. એમાંય પશ્ચિમ વિસ્તારનો સરખેજ-ગાંધીનગર વિસ્તાર બન્ને તરફ ધંધારોજગાર અને રહેણાંક માટે ઝડપથી વિકાસિત થઇ રહ્યો છે. પરંતુ કહેવત મુજબ કેટલીકવાર દીવા તળે જ અંધારું જોવા મળે.
વાત છે…વિકસેલા એસ.જી.હાઇવેને અડીને આવેલા ગોતા વિસ્તારની. અહીંયા આવેલી વર્ષો જૂની ગોતા હાઇસિંગ કોલોની ચોમાસામાં નર્કાગાર બની જાય છે. જર્જરિત મકાનો, તુટેલા ઉબડખાબડ રસ્તા, ઠેર ઠેર છાણમાટી, કાદવના ઢગલાથી ભરપૂર આ વિસ્તાર તંત્રની ઉપેક્ષાનો એક નમૂનો છે. 30 કરતાંય વધારે વર્ષો પહેલાં તૈયાર થયેલી આ વસાહત જાળવણી-સમારકામ અને સ્વચ્છતા માંગી રહી છે.
સ્વચ્છતા ઝુંબેશને પ્રાધાન્ય આપતી સરકારની મહત્વની કચેરીઓ જ આ વિસ્તારમાં આવી છે. સરકારના અધિકારીઓ-કર્મચારીઓ પણ આજ માર્ગે આવે છે ને જાય છે. ખૂબ જ પ્રતિષ્ઠિત લોકોની ઓફિસ-ધંધા-વ્યવસાય અને ધાર્મિક સ્થળોને અડીને જ આવેલો આ ગોતા હાઉસિંગ વિસ્તાર અને એની પ્રજા જીવંત નર્ક જોઇ રહી છે. ઠેરઠેર જુદી જુદી યોજના કાર્યક્રમોમાં હજારો લાખોકરોડો ખર્ચતી સરકાર પાસે આ પ્રજા સારા રસ્તા-સ્વચ્છતાની માગ કરી રહી છે.
(તસવીરઃ અહેવાલ—પ્રજ્ઞેશ વ્યાસ)