રાજ્યમાં સરેરાશ 73 ટકા વરસાદ નોંધાયો, જાણો ક્યાં ઝોનમાં કેટલો વરસાદ

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. હાલ સુધીમાં રાજ્યમાં સરેરાશ 72.74 ટકા વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં એવરેજ 883 મીમી વરસાદ જોવા મળે છે, જેની સામે 642 મીમી વરસાદ જ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એવો 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે.

વરસાદના સત્તાવાર આંકડા  પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછો 47 ટકા વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં અનુક્રમે 54.60 ટકા અને 56.75 ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીએ ઓછો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સરેરાશ 730 મીમી વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે માત્ર 399 મીમી જોવા મળ્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 811 મીમી એવરેજ સામે 460 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં માત્ર 51.51 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લામાં 63.30 ટકા વરસાદ થયો છે, જ્યારે આણંદમાં 68.41 અને વડોદરામાં 66.67 ટકા વરસાદ જોવા મળ્યો છે.

તો બીજી બાજું ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ જૂનાગઢના 3 તાલુકામાં નોંધાયો છે. સૌથી વધુ માણાવદરમાં 163 ટકા નોંધાયો છે. બીજા નંબરે કેશોદમાં 149 ટકા અને ત્રીજા નંબરે વંથલી તાલુકામાં 147 ટકા વરસાદ નોંધાયો છે. ચોથા અને પાંચમા નંબરે કચ્છ જિલ્લાના બે તાલુકામાં અનુક્રમે મુન્દ્રામાં 142 ટકા અને માંડવીમાં 134 ટકા સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમમાં હાલમાં 87.82 ટકા જળસંગ્રહ થયેલો છે. આ સિવાયના બીજાં 206 જળાશયો પૈકી 51 ડેમ 100 ટકા ભરાયેલાં છે. 39 જળાશયો 70થી 100 ટકા ભરાયેલા છે, જ્યારે 22 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ થયેલો છે.