અમદાવાદ: શહેરના એક ડોક્ટરના દવાખાનાના ‘વેઇટિંગ રૂમ’માં પ્રવેશતાની સાથે જ એક બાળક અચાનક જ ઘોંઘાટ કરવા માંડ્યું. તોફાને ચડ્યું, માતા પાસે મોબાઈલ લેવાની જીદ પકડી. માતા મોબાઈલ આપે એ પહેલાં આખાય રૂમની લાઇટ્સ, પંખા ચાલુ બંધ કરવા માંડ્યો. બાળકની બુમાબુમ, ચીસાચીસથી દવાખાનાનું વાતાવરણ ડહોળાઈ ગયું. શરીરે સ્વસ્થ અને ચહેરેથી એકદમ સામાન્ય લાગતા બાળકના ઉત્પાતથી માતા સહિત સૌ ડઘાઈ ગયા. વાસ્તવમાં, આ બાળક ઓટિઝમની સારવાર ચાલુ છે.
દુનિયામાં અનેક બાળકો જન્મ બાદ જુદા જુદા પ્રકારની અસાધ્ય બીમારીથી પીડાતા હોય છે. અમુક રોગ તો એવા હોય છે કે એના નામ વિશે પણ કેટલાક લોકો જાણતા નથી હોતા. પરંતુ જેના પરિવારમાં કોઇ સભ્ય અસાધ્ય બીમારી સાથે જન્મે એ લોકો સારી અને સચોટ સારવાર પૂરી પાડે એવા નિષ્ણાતોને શોધતાં હોય છે. ઓટિઝમ પણ એવી જ એક બીમારી છે. જેમાં બાળકની તકલીફ સમજ્યા પછી સચોટ સારવાર આપતાં તબીબ શોધવા ખૂબ જ જરૂરી છે.
ઓટિઝમ વિશે જનજાગૃતિ લાવવા માટે દર વર્ષની બીજી એપ્રિલે ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ ઉજવવામાં આવે છે. ‘ઓટિઝમ ડે’ સૌ પ્રથમ 2008માં ઉજવાયો હતો. એનો મુખ્ય હેતુ ઓટિઝમ બીમારીથી પીડાતા લોકોના જીવનસ્તરને સુધારવાનું હોય છે. જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે બીજા લોકો સાથે સારી રીતે જીવન વીતાવી શકે. આધુનિક વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઇલાજ ઉપલબ્ધ છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી)પણ સામેલ છે.
તબીબી ક્ષેત્રે સેવા આપતા અમદાવાદના હોમિયોપેથિક ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ અને રિસર્ચર ડો. કેતન પટેલ આ અંગે ચિત્રલેખા. કોમ ને કહે છે કે, અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે એએસડી હોય તેવા બાળકોના એક તૃતિયાંશ અથવા અડધા વાલીઓને બાળક એક વર્ષનું થાય તે પહેલા જ લક્ષણો જોવા મળે છે. 80%–90% માતાપિતા 24 મહિનાની વય અગાઉ આ લક્ષણ જુએ છે. તેથી તેનું નિદાન શક્ય એટલું વહેલું થવું જોઈએ કારણ કે આ ડેવલપમેન્ટલ બીમારી છે. ઓટિઝમ મુખ્યત્વે સામાજિક વાતચીત અને સંવાદ, જુદી જુદી ચીજોમાં ઓછો રસ પડવો તથા પુનરાવર્તિત વર્તણૂકને આધારે ઓળખી શકાય છે જે દૈનિક જીવનને અસર કરે છે. તેના લક્ષણો આ પ્રમાણે છેઃ
- નામ બોલવા છતાં પ્રતિભાવ ન આપવો.
- ચીજ દર્શાવવા માટે તેની તરફ નિર્દેશ કરવો.
- 2 વર્ષ સુધી રમત રમતા હોય તેવો દેખાવ કરવો.
- આંખથી સંપર્ક ટાળવો, લોકોને સમજવામાં મુશ્કેલી પડવી, પોતાના વિચારો વ્યક્ત કરવામાં મુશ્કેલી, એકના એક શબ્દો બોલતા રહેવું, પ્રશ્નોની સાથે સુસંગત ન હોય તેવા જવાબ આપવા, શરીર હલાવતા રહેવું અથવા ગોળ ગોળ ઘુમવું, બિનજરૂરી હસતા રહેવું ગુસ્સો આવે તો માથું પછાડવું, ચહેરાનો હાવભાવ શબ્દો સાથે મેળ ખાતો ન હોય
- દાંત ઘસવા અને આંગળીઓ હલાવતા રહેવું. વાતચીતના કૌશલ્યને માપદંડ તરીકે લેવામાં આવે તો 30 ટકા બાળકો માત્ર 2-3 શબ્દો બોલે છે. તેમને મૌખિક અને બિનમૌખિક સંવાદમાં મુશ્કેલી પડે છે. ASD ને લગતી સમસ્યાઓ આ પ્રમાણે છે: બોલવામાં વિલંબ થવો, કાર્ય અને શબ્દોનું સતત પુનરાવર્તન કરવું, પ્રશ્નોના આડાઅવળા જવાબ આપવા, કોઇ ચીજ જોઇતી હોય તો આંગળી ચિંધવી, અમુક હાવભાવથી પોતાની લાગણી વ્યક્ત કરવી
- ઓટિઝમના દર્દીઓને હાવભાવ, બોડી લેંગ્વેજ, અવાજ કે સૂરનો ઉપયોગ કરવામાં અને સમજવામાં મુશ્કેલી પડે છે.
હોમિયોપેથીમાં ઓટિઝમની શું સારવાર છે?
જવાબમાં ડો. કેતન પટેલ કહે છેઃ
ઓટિઝમ માટે જવાબદાર કારણો હજુ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. હોમિયોપેથી સારવાર લક્ષણો ઉપરથી આપવામાં આવે તો બાળકની વર્તુણક બોલવાનું અને નજરથી નજર મેળવવાનું પહેલા ૧૨૦ દિવસની સારવારથી આવવા લાગે છે. ઓટિઝમગ્રસ્ત બાળકના વાળ, લોહી, અને પેશાબનો રિપોર્ટ કરવામાં આવે તો તેમાં મોટા પ્રમાણમાં સીસુ, પારો, કેડમીયમ અને અન્ય ભારે ધાતુ શરીરમાં પ્રસરેલા જોવા મળે છે, હોમિયોપેથિક સારવારથી આ હેવી મેટલનું પ્રમાણ ઘટાડી શકાય છે.
ઓટિસ્ટિક બાળકોમાં ફંગસ તેમજ પાચનક્રિયાની તકલીફ જોવા મળે છે તો ઉપરોક્ત ફંગસને નાબુદ કરવા તેમજ પાચનક્રિયા સારી રીતે થાય તેના માટે હોમિયોપેથીક દવા સાથે દૂધ અને તેની બનાવટ અને ઘઉં અને તેની બનાવટ આવા બાળકોને બંધ કરવાથી તેની ઉપરોક્ત બીમારીમાં ફાયદો જોવા મળે છે. વધારે પડતો ગળ્યો ખોરાક ઓટિઝમગ્રસ્ત બાળકને નુકસાનકારક છે. આ બાળકો પોતાની માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેમાં મેલ હોર્મોન વધારે માત્રામાં જોવા મળે છે. જે હોમિયોપેથિક સારવારથી સામાન્ય કરી શકાય છે.
બાળકને જલ્દી બોલતું કરવામાં હોમિયોપેથિક સારવાર સાથે કસરત કરાવવામાં આવે તો બાળકમાં ઝડપથી સુધારો જોવા મળે છે, તેમજ યોગ્ય પરિસ્થિતિ અને સમયે ત્રણ મહિના સુધી સ્પીચ થેરાપી કરવામાં આવે તો બાળક બોલતું થઈ જાય છે. ઓટિઝમની બીમારીમાં સામાન્ય થયેલા ૯૦ ટકાથી વધુ બાળકોને હોમિયોપેથી, ગ્લુટેન ફ્રી આહાર નિયંત્રણ અને કસરત જેવી કે દોડવું, સ્કેટિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, ઘોડેસવારી કરાવવાથી પરિણામ ઝડપથી મળે છે.
ઓટિઝમના લક્ષણો ધરાવતું બાળક જે પાંચ વર્ષથી નીચેની ઉંમરનું હોય તો તે હોમિયોપેથિક સારવાર સાથે આહાર નિયંત્રણ ને કસરત કરાવવાથી સામાન્ય થઈ શકે છે. તેનાથી મોટી ઉંમરનું હોય તો તેમાં પણ ઉપરોક્ત સારવારથી ઘણા બધા સુધારા લાવી શકાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
