લેખિકા, કટારલેખક સંગીતા શુક્લાને રાષ્ટ્રીય પુરસ્કાર

નવી દિલ્હી: પ્રખ્યાત લેખિકા અને અંકશાસ્ત્રી સંગીતા શુક્લાને સોસાયટી ફોર હેલ્થ એન્ડ એમ્પાવરમેન્ટ ઑફ વિમેન (SHE) દ્વારા આયોજિત “વિમેન ઇન લીડરશિપ કોન્ક્લેવ-2022”ના કાર્યક્રમમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.

શુક્લાએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે રાજ્યસભાનાં સભ્ય ગીતા શેક્યા પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. શુક્લા કટારલેખક, ગુજરાતી ભાષાનાં નિષ્ણાત, શિક્ષક અને જાણીતા અંકશાસ્ત્રી છે.

શુક્લાએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં “નરેન્દ્ર મોદી – પ્રેરણામૂર્તિ” નામનું પુસ્તક લખ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક “જ્યોતિ પુંજ”નો ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ પણ કર્યો છે.

SHE દિલ્હીસ્થિત મહિલાઓની એનજીઓ છે, જે મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા આરોગ્ય અને સુખાકારી, સ્વચ્છતા, પર્યાવરણ, શિક્ષણ, સામાજિક-સાંસ્કૃતિક અધિકારો વગેરે ક્ષેત્રે કામ કરે છે.