‘કોમ્પ્યુટર પ્રોગ્રામર’ તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના બીજા ધોરણના એક વિદ્યાર્થી અર્હમ ઓમ તલસાણિયાએ છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23 જાન્યુઆરી, 2020એ માઇક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વુ ટેસ્ટ સેન્ટરમાં યોજવામાં આવી હતી. અનેક એન્જિનિયરો માટે અઘરી ગણાતી આ પરીક્ષાને આ તેજસ્વી વિદ્યાર્થીએ પાસ કરીને વિશ્વના સૌથી નાની વયના કોમ્પ્યુટર પ્રોગ્રામનું બિરુદ મેળવ્યું છે.

‘માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટ’ તરીકે ઓળખ

અર્હમે પાકિસ્તાન મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા સાત વર્ષના મુહમ્મદ હમજા શહેજાદનો અગાઉનો ગિનિસ રેકોર્ડ તોડ્યો હતો. આ પરીક્ષામાં 1000માંથી 700 માર્ક્સ મેળવવાના રહે છે. અર્હમ હાલ સાત વર્ષનો છે, પણ જ્યારે તેણે પરીક્ષા આપી ત્યાતે તે છ વર્ષનો હતો. તેણે પરીક્ષામાં 1000માંથી 900 માર્ક્સ મેળવીને માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટ તરીકે ઓળખ મેળવી હતી.

પોતાની સ્કૂલના વિદ્યાર્થીએ મેળવેલી સફળતા વિશે સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોકસીએ જણાવ્યું હતું કે અમારા માટે આ ગૌરવની ક્ષણ છે. છ વર્ષની ઉમરે અર્હમ જે લોજિકલ સ્ટ્રક્ચર અને કોડિંગ એક્સપર્ટાઇઝ ધરાવે છે એ અભૂતપૂર્વ છે. અમે એક તેજસ્વી પ્રતિભાને ઊભરતી જોઈ રહ્યા છીએ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

અર્હમના માતાપિતા બંને સોફ્ટવેર એન્જિનિયર છે. તેને વિડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો અને તે પોતાની વિડિયો ગેમ બનાવવા માગતો હતો, જેથી તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું હતું. આ નાનકડો કોમ્પ્યુટર પ્રોગ્રામર તેના પિતાને આદર્શ માને છે. હાલ અર્હમ પોતાની વિડિયો ગેમ બનાવી રહ્યો છે.