અંધ-બધિર બાળકોના ટેકામાં આનંદપ્રદ ચેરિટી રાઇડ યોજાઈ

અમદાવાદઃ દેશમાં પાંચ લાખથી વધુ લોકો જોઈ અને સાંભળી નથી શકતા. અંધબધિરતા એ અનોખી દિવ્યાંગતા છે કે જેમાં સાંભળવાની અને જોવાની શક્તિ ગુમાવવી પડે છે. આ કારણે ભણવાની, સંદેશવ્યવહારની તથા સમજવામાં અત્યંત મુશ્કેલી ઊભી થાય છે. સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ હેલન કેલર ડે પ્રસંગે ચેરિટી રાઇડનુ આયોજન કર્યું હતું. લોકોને જાગૃતિના ઉદ્દેશથી તેમ જ  અંધ-બધિર બાળકોના શિક્ષણને સહયોગ માટે રવિવારે આઠમા વાર્ષિક સાઇક્લોથોન ઈવેન્ટ “મેસેન્જર્સ ઓન સાઇકલ્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આકર્ષક રેલીમાં બાળકો ઉપરાંત એકથી વધુ દિવ્યાંગતા ધરાવતાં બાળકો સહિત 350થી વધુ વ્યક્તિઓ સામેલ થઈ હતી. આ રાઇડનું આયોજન અંધ-બધિર બાળકો અને પુખ્ત વયના લોકો માટે તથા તેમને સહયોગ પૂરો પાડવાના આશયથી કરવામાં આવ્યું હતું.

આ રાઇડને બ્લાઈન્ડ પીપલ્સ  એસોસિયેશન કેમ્પસથી લીલી ઝંડી આપવામાં આવી હતી અને (દિવ્યાંગતા ધરાવતા)  સાઇકલિસ્ટોએ  સફળતાપૂર્વક ત્રણ કિમી,  પાંચથી 16 વર્ષનાં બાળકોએ પાંચ કિ.મી. અને પુખ્ત વયના તથા 16 વર્ષથી વધુ વય ધરાવતા લોકોએ 12 કિમીનું અંતર કાપ્યું હતું.

આ આનંદપ્રદ ઈવેન્ટમાં સામેલ થનારા લોકોએ  સમારંભના સ્થળે સાયકલિંગની સાથે સાથે સંગીત અને ઝુમ્બા સાથે નૃત્ય કર્યુ હતું. આ ઈવેન્ટના ટાઇટલ સ્પોન્સર  ટેકની પ્લેક્સ ઇન્ડિયા પ્રા. લિમિટેડ હતા. હેલન કેલર BAની ડિગ્રી હાંસલ કરનાર પ્રથમ અંધ-બધિર વ્યક્તિ હતાં. સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા કે જે સેન્સ ઇન્ડિયાને નામે જાણીતું છે એ દેશભરમાં તથા પડોશી દેશોમાં અંધ-બધિર બાળકો અને પુખ્ત વયના લોકોની બહેતર સંભાળ, શિક્ષણ અને આજીવિકાની તકો માટે સમર્થન આપે છે તથા કામગીરી બજાવે છે.