અમદાવાદ: દિવાળીના તહેવારમાં જૂના વખતથી ચાલી આવતી એક પરંપરા ‘ગાગ માગડી’ એટલે આસો વદ અમાસના રોજ દિવાળી ઘોર અંધકારમાં પ્રકાશ આપતાં ઝગમગતાં દીવડાં પ્રજ્વલિત થાય.
આ દિવસે સંધ્યા ટાણે ગામમાં કેટલાક ઘરોમાંથી સભ્યો મશાલ જેવો ડંડો લઇને નીકળે. શેરડીના સાંઠા જેવી લાકડીમાંથી બનાવેલી મશાલ પર વીંટાળેલા કાપડ કે કોડિયા પર ઘેર ઘેર તેલ પુરાવવા સાદ પાડે…
‘ગાગ માગડીમાં તેલ પુરાવો’…
પહેલાંના વખતમાં જ્યારે વીજળીની સગવડ નહિંવત હશે ત્યારે ગામ કે ફળિયાનાં લોકો હાથમાં મશાલની જેમ ગાગ માગડી લઇને તેલ પુરાવવાનો ટહુકો પાડતા હશે. અને તે રોશની કેવો અદભુત નજારો સર્જતી હશે. ત્યારબાદ એ તેલ પુરેલા કોડિયા, કાપડ બાંધેલી મશાલ જેવા સાંઠા સળગતા જ એક ખુલ્લી જગ્યાએ મુકવામાં આવતાં હોય છે.
આ ગાગ માગડી કરવા પાછળ ઘર અને ગામની સુખાકારી માટેની અનેક કથાઓ છે. તળપદી ભાષાઓમાં આ પરંપરાના ઘણાં નામ પણ છે.
શહેરીકરણ થયા પછી પણ ઘણાં પરિવારો આ પરંપરા ચૂક્યા નથી.
હાઉસિંગ સોસાયટી, મહોલ્લા કે ગામનું ઐક્ય આવી પરંપરાઓમાં ઉડીને આંખે વળગે છે…!
દિવાળીમાં અંધકાર દૂર કરી અજવાળું તો પથરાય છે એ સાથે એકતા અને સૌ માટે શુભકામના દેખાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)