આણંદઃ લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ને નામે દૂધ અને દૂધની પ્રોડક્ટોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (GCMMFએ) 31 માર્ચ, 2020એ પૂરા થતા નાણાકીય વર્ષમાં 38,542 કરોડનું ટર્નઓવર કર્યું છે, જે પાછલા વર્ષ કરતાં 17 ટકા વધુ છે. કંપનીએ આગામી સમયમાં વિશ્વની ટોચની ત્રણ ડેરી સંસ્થાઓમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. GCMMFએનું નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં એક લાખ કરોડના વેપારનું લક્ષ્ય રાખ્યું છે.
અમૂલની પ્રોડક્ટ્સનું ટર્નઓવર 52,000થી વધુ
GCMMF અને એનાં સભ્ય યુનિયનો દ્વારા ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોનું વેચાણ 52,000 કરોડથી (સાત અબજ અમેરિકી ડોલર) વધુ થયું હતું. જોકે GCMMFએનું નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં એક લાખ કરોડના વેપારનું લક્ષ્ય રાખ્યું છે.
વર્ષ 2011માં વિશ્વની 18મા ક્માંકની ડેરી
નાણાકીય વર્ષ 2011માં અમૂલ વિશ્વની 18મા નંબરની ડેરી હતી, જે હાલમાં વિશ્વમાં નવમા ક્રમે પહોંચી છે.
અમૂલનો ઝડપથી વિસ્તરણનો મંત્ર
અમૂલ ફેડરેશને ઝડપથી વિસ્તરણને મંત્ર અપનાવતાં વેચાણના ટર્નઓવરમાં પાંચ ગણો વધારો થયો છે. 2009-10માં કંપનીના વેચાણનું ટર્નઓવર 8005 કરોડ રૂપિયાથી 2019-20માં 38,542 કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું. કંપની GCMMFની 46મી વાર્ષિ સામાન્ય સભાનાં પરિણામો જાહેર કર્યાં હતાં.
કંપનીની દૂધની આવકમાં 138 ટકાનો વધારો
GCMMFના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું હતું કે વીતેલા 10 વર્ષોમાં કંપનીના દૂધ એકત્રીકરણમાં ખૂબ મોટો વધારો થયો છે. વર્ષ 2009-10માં કંપનીને પ્રતિ દિવસે 90.93 લાખ લિટર દૂધની આવક હતી, જે વર્ષ 2019-20માં 138 વધીને પ્રતિ દિવસે 215.96 લાખે પહોંચી છે.
દૂધ ઉત્પાદકોની ચુકવણીમાં 127 ટકાનો વધારો
તેમણે કહ્યું હતું કે વર્ષ 2009-10માં દૂધ ઉત્પાદકોરને પ્રતિકિલોગ્રામ ફેટના 337 રૂપિયા ચૂકવવામાં આવતા, જે વર્ષ 2019-20માં 127 ટકા વધીને પ્રતિ કિલોગ્રામ ફેટ 765 થયા છે.
કોરોના કાળને કંપનીએ એક તકમાં ફેરવી
તેમણે જણાવ્યું હતું કે આ વૈશ્વિક રોગચાળા દરમ્યાન અમૂલ સહકારી મંડળીઓએ કટોકટી કાળને એક તકમાં પરિવર્તિત કરી દીધી હતી. લોકડાઉન દરમ્યાન કંપનીને પ્રતિ દિવસે 35 લાખ લિટર દૂધ એકત્ર કર્યું હતું. કંપની લોકડાઉન દરમ્યાન 800 કરોડ રૂપિયા ગામડાના દૂધ ઉત્પાદકોને ચૂકવ્યા હતા.
22 વર્ષથી વિશ્વના સૌથી મોટા ઉત્પાદક
GCMMFના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે માહિતી આપતાં કહ્યું હતું કે છેલ્લાં 22 વર્ષમાં ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદકનું સ્થાન જાળવી રાખ્યું છે. દેશમાં ઉત્પાદન થતા દૂધની કિંમત આશરે આઠ કરોડ રૂપિયા જેટલી થાય છે.
આગામી 10 વર્ષમાં 30 લાખ લોકોને રોજગારીની તક
મેનેજિંગ ડિરેક્ટર ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે અમે વડા પ્રધાન અને નાણાપ્રધાનના આભારી છીએ, કેમ કે તેમના દ્વારા ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે 15,000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. ભારતનો ડેરી ઉદ્યોગ આ ફંડના ઉપયોગથી અંદાજિત ચારથી પાંચ કરોડ લિટર પ્રતિ દિવસ ક્ષમતાના વધારાના પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરી શકીશું. નવા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરવાથી અને સંપાદિત થયેલા દૂધના પ્રોસેસ કરવાથી આગામી 10 વર્ષમાં આશરે 30 લાખ લોકોને રોજગારીની તક પૂરી પાડી શકાશે.
