માનવતા જ સૌથી શ્રેષ્ઠ ધર્મઃ સાબિત કર્યું સાવરકુંડલાના આ કિસ્સાએ….

અમરેલી:  સાવરકુંડલાના નાવલી કાંઠાની તાસીર જ કઈ જુદી છે અહી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. અહીં માનવતા ધર્મે તમામ ધર્મોના સિમાડાઓ તોડી નાખ્યા છે. ત્રણ મુસ્લિમ ભાઈઓએ છેલ્લા 4-4 દાયકાથી પોતાના પિતાના ખાસ મિત્ર એવા હિન્દૂ બ્રાહ્મણ કાકાના અંતિમ સંસ્કાર માટે હિન્દૂ પરંપરા મુજબની તમામ વિધિ-વિધાન કર્યા અને તેમની ઈચ્છા મુજબ અંતિમ ક્રિયા કરવામાં આવી.

વાત આજથી 4 દાયકા પહેલા શરુ થઈ હતી, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જ્યારે મજૂરી દરમ્યાન ભિખુ કુરેશી અને ભાનુશંકર પંડ્યા એકબીજાને મળ્યા. બંને ત્યારથી જ પાક્કા મિત્રો બની ગયા. જ્યારે એકવાર ભાનુશંકરનો પગ ભાંગ્યો અને તેનો કોઈ પરિવાર ન હોવાથી દેખભાળ રાખવાવાળું પણ કોઈ નહોતું તેથી ભિખુ કુરેશીએ તેને પોતાના ઘરમાં જ આવીને રહેવાનું જણાવ્યું.

આ સમયથી જ ભાનુશંકર પંડ્યા અને ભિખુ કુરેશી, એક બ્રાહ્મણ અને એક મુસ્લિમ બંને એક જ ઘરમાં રહેતા હતા અને પોતપોતાના ધર્મ પાળતા હતા. જ્યારે ત્રણ વર્ષ પહેલા ભિખુ કુરેશીનું અવસાન થયું ત્યારે ભાનુશંકર ખુબ જ તૂટી ગયા હતા. ભાનુશંકર પંડ્યા જેમની સાથે રહેતા હતા તે તેમના મિત્ર ભિખુ કુરેશીના ત્રણેય સંતાનો અબુ, નસીર અને ઝુબેર કુરેશી રોજમદારી પર કામ કરે અને દરરોજ 5 નમાઝ પડે, તેમજ ક્યારેય રમઝાનમાં રોઝા પાળવાથી પાછળ હટ્યા નથી.

ગયા શનિવારે જ્યારે ભાનુશંકર પંડ્યાનું અવસાન થયું ત્યારે તેમની પાછળ અંતિમ વિધિ કરનાર કોઈ ન હોવાથી આ ત્રણેય અબુ,નસીર અને ઝુબેરે ધોતી પણ પહેરી અને હિન્દૂઓ માટે તેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણો માટે પવિત્ર એવી જનોઈ પણ પહેરી. એટલું જ નહીં નસીરના સંતાન અરમાને તેમને અગ્નિદાહ આપ્યો હોવાથી પરિવારે 12મું કરીને હિન્દૂ રીતરિવાજ મુજબ અરમાનનું મુંડન કરાવવાનું પણ નક્કી કર્યું છે.

જ્યાં સુધી ભાનુશંકર જીવ્યા ત્યાં સુધી કુરેશીના ઘરમાં એક રસોડું અલગ જ હતું જ્યાં તેમના માટે શુદ્ધ શાકાહારી ભોજન અલગથી બનાવવામાં આવતું હતું. કુરેશી પરિવારનું આ ઉમદાકાર્યની સમગ્ર અમરેલી જિલ્લામાં નોંધ લેવાઈ છે.

અબુ કહે છે કે, ભાનુશંકર કાકાને કોઈ પરિવાર નહોતો. તેઓ અમારા પરિવારના જ એક ભાગ બની ગયા હતા. અમારા છોકરા તેમને દાદા કહીને બોલાવતા હતા અને અમારી પત્નીઓ તેમના આશિર્વાદ માટે પગે લાગતી હતી. તેઓ પણ ખૂબ જ ખુશી ખુશી ઈદના તહેવારમાં સામેલ થતા હતા અને છોકરાઓ માટે ભેટસોગાત લાવતા હતા.

પચાસ વર્ષ સુધી મુસ્લીમ પરિવાર સાથે બ્રાહ્મણ રહે છે અને મૃત્યુ પણ ત્યાં જ પામે છે જે આજ ના સમય માં નોંધનીય છે કોમી એકતાની મિસાલ આથી વધુ હોઈ જ ના શકે આ કિસ્સો સાવરકુંડલામાં કોમવાદ અને મયવનસ્ય ફેલાવનારા માટે સબક રૂપી છે.