રાજ્યમાં અમિત શાહની બંધબારણે બેઠકઃ ભાજપમાં ઊથલપાથલ?

અમદાવાદઃ ભાજપમાં કંઈક મોટી ઊથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોડી રાત્રે ઉચ્ચ સ્તરની બેઠક લીધી હતી. આ બેઠકનું મહત્ત્વ એ અંદાજથી લગાવી શકાય છે કે આ મીટિંગ અડધી રાત્રેથી શરૂ થઈને સવાર સુધી ચાલી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે રાત્રે 12 કલાકથી સવારે પાંચ કલાક સુધી ભાજપનાના નેતાઓ સાથે ચૂંટણીની તૈયારી પર મંત્રણા કરી હતી. આ મેરેથોન બેઠક રાજ્ય સરકારના એક મંત્રીના નિવાસસ્થાને થઈ હતી.  આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારને લઈને લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ હતી.. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષના I.N.D.I.A. એલાયન્સને શૂન્યથી રોકવા માટે કોઈપણ ભોગે તમામ 26 બેઠકો જીતવા માગે છે. આવી સ્થિતિમાં પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા જે નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવા માગે છે તેમને સક્રિય કરવા માગે છે.

આગામી દિવસોમાં રાજ્ય સરકારની ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની સાથે સંગઠનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વર્તમાન કેબિનેટના કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફારની અટકળોની સાથે સંગઠનને લઈને એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ટીમમાં મહાસચિવોની જાહેરાત થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ અને સરકારમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવામાં દિલ્હીમાં પીએમ આવાસમાં બંધબારણે યોજાયેલી બેઠકના બે જ દિવસમાં રાત્રે ૧૨થી વહેલી સવાર સુધી ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકે તમામ અટકળો ને તેજ કરી છે હવે જોવાનું રહેશે કે અટકળો માત્ર અટકળો જ બની રહે છે કે ગુજરાતના રાજકારણમાં કંઇક નવાજૂની જોવા મળશે?.