અમદાવાદઃ 21.25 કરોડના ગેરકાયદે દબાણો દૂર કરાયા, ઝૂંબેશ ચાલુ રખાશે

અમદાવાદ- જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાસણા વિસ્તારમાં અંદાજીત ૨૧.૨૫ કરોડના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. દબાણો દૂર કરવા સાથે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે અમદાવાદ શહેરમાં સરકારની કીમતી જમીનો ઉપરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ ગેરકાયદે દબાણો ઉપરના બાંધકામોની કીમત ૭૫૦ લાખ તથા આ જમીનની બજાર કિંમત ૧૩૭૫ લાખ થવા જાય છે.

અમદાવાદના વાસણા ખાતે દબાણો દૂર કરી ૧૯૬૪ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે જેના પર ૨૪ જેટલાં રહેણાંકના દબાણો તેમજ પાંચ કોમર્શિયલ દબાણો હતાં. આ દબાણો દૂર કરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલ પીટીશનના આધારે ગુજરાત હાઇકોર્ટે સમય મર્યાદામાં આ દબાણો દૂર કરવા સૂચના આપી હતી જે આજે દૂર કરવામાં આવ્યા હતાં.

આ અંતર્ગત મદદનીશ પોલિસ કમિશનર એમ-ડીવીઝન, નાયબ કલેક્ટર પશ્ચિમ જે. બી. દેસાઇ, મામલતદાર સાબરમતી એસ. જે. રબારીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાધન સામગ્રીથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કર્યા હતાં.