અમદાવાદમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે AMCનો મોટો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી શૈક્ષણિક સત્રથી શહેરના સાત ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવાની યોજના ઘડાઈ છે. AMC સંચાલિત પ્રાથમિક શાળાઓ પહેલેથી જ ધોરણ 1 થી 8 માટે ઉપલબ્ધ છે, પણ હવે ધોરણ 9 અને 10 માટે પણ શાળાઓ શરૂ થશે. આ નિર્ણયથી અનેક ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને શૈક્ષણિક ખર્ચમાં મોટી રાહત મળશે.

AMC દ્વારા શરૂ કરાયેલ આ નવી શાળાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં બાલમંદિરથી ધોરણ 10 સુધીનું શિક્ષણ મળશે. સાથે સાથે પુસ્તકો, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રી પણ વિનામૂલ્યે મળશે. આ નિર્ણયથી વાલીઓએ ખાનગી શાળાની મોંઘી ફી ભરવી નહીં પડે. શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વધુ શાળાઓ ખોલવાની યોજના છે. શિક્ષણના આર્થિક બોજાને ઘટાડવાનો પ્રયાસને ધ્યાને રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. AMCના આ નિર્ણયથી પ્રાથમિકથી માધ્યમિક સુધીનું શિક્ષણ સરળ અને સસ્તું બની રહેશે. ખાનગી શાળાઓમાં તગડી ફી ભરવાથી વાલીઓની આર્થિક સ્થિતિ પર ભાર પડતો હતો, જે હવે ઓછો થશે. પ્રથમ તબક્કામાં સાત ઝોનમાં શાળાઓ શરૂ કરવામાં આવશે, અને પછી તબક્કાવાર વધુ વિસ્તારોમાં પણ શાળાઓ ઉદ્ઘાટિત કરાશે. AMC સ્કૂલ બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી શહેરના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને મફત શિક્ષણ પ્રાપ્ત થશે.