કોરોનાના સમયમાં હાલ લોકોને સામાન્ય હોસ્પિટલમાં પગ મૂકતાં ય ડર લાગે છે એવા માહોલમાં તમને કોઈ કોરોનાના દર્દીઓના વોર્ડમાં પગ મૂકવાનું કહે તો કેવી હાલત થાય? ભલભલા હિંમતવાળાના ય પગ ધ્રુજવા માંડે અને એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેઠેલાને પણ પરસેવો વળી જાય! પરંતુ અમદાવાદની અમુક હોસ્પિટલોના કોરોના વોર્ડમાં આજકાલ એક વ્યક્તિ, અફકોર્સ પૂરતી સાવધાની રાખીને, કોરોનાના દર્દીઓ સાથે બિનદાસ્ત વાતચીત કરતા અને તેમની પ્રેમપૂર્વક સંભાળ રાખતા જોવા મળે છે. ના, આ વ્યક્તિ ડોક્ટર છે છતાં ય નથી. દર્દીઓની સારવાર કરવાનું એમની ફરજમાં પણ નથી આવતું, આમ છતાં ય એ આજકાલ તબીબો પોતાના દર્દીની જે રીતે કાળજી લે એ જ રીતે આ બધા દરદીની કાળજી લેતા જોવા મળે છે!
હા, વાત થાય છે ગુજરાત સરકારના આઈએએસ અધિકારી અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે ફરજ બજાવતા ડો. મનીષ બંસલની. મનીષભાઈ આઈએએસ અધિકારી છે, પણ પોતાની આ ફરજ એ એરકન્ડિશન્ડ ચેમ્બરમાં જ બેસીને બજાવવાના બદલે મુશ્કેલીના આ સમયમાં હોસ્પિટલોની મુલાકાત લઇને, કોરોનાના દર્દીઓની મુલાકાત લઇને, એમની સાથે વાતચીત કરીને અને એમની પૂરતી સંભાળ લઇને બજાવે છે. એ પણ જાણી લો કે, સનદી અધિકારી તરીકે હાલ એ રિજિયન કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરીકે કાર્યરત હોવા ઉપરાંત હાલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાસ ઓએસડી તરીકે તો ફરજ બજાવે જ છે, પણ સાથે સાથે એ એમબીબીએસની પદવી પણ ધરાવે છે.
મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગરના વતની ડો. મનીષ બંસલની મૂળ પેશન આમ તો સિવિલ સર્વિસમાં જવાની જ હતી એટલે 2008 માં એમબીબીએસ કર્યા પછી એમણે ૨૦૧૦માં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પણ ફતેહ મેળવી.
જો કે મનીષભાઈને અહીં સ્ટેથોસ્કોપ મૂકીને ટેક્સેશનના આંકડા સાથે કામ પાર પાડવામાં બહુ મજા નહોતી આવતી અને સાથે સાથે સમાજ માટે મોટા પાયા પર કામ કરી શકાય એવું એક સપનું ય મનમાં રમતું હતું એટલે એમણે ફરીવાર સિવિલ સર્વિસની પરીક્ષા આપી અને ૨૦૧૩માં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે આઈએએસ પાસ કરી. શરૂઆતમાં ગુજરાતમાં સાબરકાંઠા, બોરસદ, સુરેન્દ્રનગર એમ વિવિધ સ્થળોએ ફરજ બજાવ્યા પછી હાલ એ અમદાવાદ-ગાંધીનગર ખાતે કાર્યરત છે.
જવાબમાં મનીષભાઇ કહે છે, ના, મેડિકલનું ભણ્યો છું એટલે પ્રાથમિક રીતે આપણી કાળજી કેવી રીતે લઈ શકાય એની જાણકારી તો મને હોય જ. વળી, આ મુલાકાતનો એક આશય ફરજ પર કામ કરી રહેલા તબીબો અને ખાસ કરીને નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની હિંમત વધારવાનો હતો. આપણે પોતે જ એક ઉદાહરણ પૂરું પાડીએ તો આપણી સાથે કામ કરનારાઓની હિંમત વધે અને મનમાંથી ડર દૂર થાય.
મનીષભાઈ પોતે તબીબ હોવાથી મેડીકલી બધું જાણે છે, પણ આમ છતાં એ તબીબોના કામમાં દખલ ય નથી કરતા. હોસ્પિટલની મુલાકાત વખતે એ દર્દીઓ પાસે જાય છે. પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધારે છે અને વોર્ડમાં એક હકારાત્મક વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. દર્દીઓમાં હિંમત વધારવાનું કામ કરે છે અને સાથે સાથે એમને મળી રહેલી સારવાર અંગે નિયમિત ફીડબેક પણ મેળવે છે. શરૂઆતમાં તો એ આવી રીતે પીપીઇ કીટ પહેરીને કોરોનાના વોર્ડમાં જતા ત્યારે ગાંધીનગરમાં એમની સાથે રહેતા એમના માતા અને પરિવારજનોને બહુ ફિકર થતી. એમની માતાએ તો એકવાર ત્યાં સુધી કહ્યું કે, હું ઉપરી અધિકારી રાજીવ ગુપ્તાને કહેવાની છું કે તમને આ રીતે વોર્ડમાં જવાની ના પાડે!
એમની આ ચિંતા પણ મા તરીકે બહુ સ્વાભાવિક હતી. પરંતુ પછીથી મનીષભાઈએ માતા અને પરિવારજનોને પણ સમજાવ્યા. એમના પત્નિ મેડિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે એટલે બહુ વાંધો ન આવ્યો. ડો. મનીષ કહે છે, જો આપણે પૂરતી કાળજી લઇએ તો ડર્યા વગર બિન્દાસ્ત રીતે કોરોના દર્દીની સારવાર કરી શકાય છે, એમની સાથે વાતો પણ કરી શકાય છે.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તદ્દન સાધારણ પરિવારમાંથી આવતા મનીષ બંસલના પિતા કરિયાણાની દુકાન ચલાવતા એટલે સંઘર્ષ શું કહેવાય એનાથી એ સુપેરે વાકેફ છે. હોસ્પિટલોમાં આવતા દરદીઓ અને તેમના પરિવારજનોની ચિંતા અને સંઘર્ષથી પણ એ વાકેફ છે, સાથે સાથે મેડિકલ સ્ટાફની વાજબી ચિંતાની પણ એમને ખબર છે અને એટલે જ એમનો ઉત્સાહ વધારવા માટે એમણે આ રીતે હોસ્પિટલોની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.
આમ તો અમલદારશાહીના આ સમયમાં સરકારી બાબુઓને આ રીતે કામ કરવાની કોઇ ફરજ ના પાડી શકે, પણ મનીષભાઈએ આ રીતે અન્ય સરકારી બાબુઓ માટે એક ઉદાહરણ ચોક્કસ પૂરું પાડ્યું છે કે જો દિલમાં લોકો માટે લાગણી હોય અને કામ કરવાની ધગશ હોય તો આ રીતે પણ કામ કરી શકાય છે.