અંબાજી– ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંબાજીમાં આગામી તા. 19થી 25 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો યોજાશે. મેળામાં યાત્રિકો અને પૂનમના સંઘોની યાત્રામાં કોઈ વિઘ્ન ના આવે તે માટે વહીવટી તંત્રે એક્શન પ્લાન ઘડ્યો છે.નિશુલ્ક ભોજન, રાત્રિ વિસામા માટે સામીયાણા, પાણી તેમજ દર્શનની યોગ્ય વ્યવસ્થા કરી હોવાનો દાવો અંબાજી મંદિર ટ્રસ્ટ ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે કર્યો છે. ભાદરવી પૂનમના મેળામાં લગભગ 35 લાખથી વધુ માઇભક્તો દર્શન કરવા આવે તેવી શકયતા છે.
વહીવટી તંત્રએ આ વખતે વ્યસનમુક્તિ કેમ્પ અને પ્લાસ્ટિકમુક્ત અંબાજીની થીમ અમલમાં મૂકી છે. મેળામાં ચાર હજારથી વધુ પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે અને મેળા ઉપર આધુનિક ટેકનોલોજી દ્વારા સુરક્ષા દ્વારા મોનીટરીંગ કરાશે. ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો પગપાળા અંબાજી જતાં હોવાથી આગામી દિવસોમાં અંબાજી તરફના માર્ગો ‘બોલ મારી અંબે…. જય જય અંબે….’ ના નાદથી ગુંજી ઉઠશે.
તસવીર-અહેવાલ ચિરાગ અગ્રવાલ