ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે રાજ્ય વિધાનસભામાં રાજ્યનું નવમી વાર બજેટ રજૂ કર્યું હતું.. નાણાપ્રધાને વર્ષ 2021-22 માટે રજૂ કર્યું 2,27,029 કરોડનું કરબોજ વગરનું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યમાં કડક દારૂબંધી અને નશાબંધીના પોકળ દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોના ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.
રાજ્ય સરકારે જ વિધાનસભામાં દારૂબંધી અને નશાબંધીને લઇને જે આંકડા આપ્યા છે, એ પ્રમાણે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં રૂ. 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. રૂ. 3.65 કરોડનો દેશી દારૂ અને રૂ. 13.18 કરોડનો બિયર ઝડપાયો છે. એ સાથે રૂ. 68.60 કરોડની કિંમતનો અફીણ ગાંજો, ચરસ, હેરોઇન અને મેફેડ્રોનનો જથ્થો પકડાયો છે. વર્ષ 2019 કરતાં 2020માં દારૂનો વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો તેવો ઘટસ્ફોટ વિધાનસભામાં સરકારે કર્યો હતો.
ગુજરાતમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકારે વિધાનસભામાં ગુનાખોરીના જે આંકડા રજૂ કર્યા, તે ગુજરાત અસુરક્ષિત અને અસલામત હોય તેવું પ્રતીત કરાવે છે. વિધાનસભામાં ગૃહવિભાગને લગતી પ્રશ્નોતરીમાં સરકારે કહ્યું હતું કે રાજ્યમાં રોજની સરેરાશ બે કરતાં વધારે લૂંટની ઘટનાઓ બને છે. દરરોજ ત્રણ હત્યાની અને 30 ચોરીની ઘટનાઓ બને છે. દરરોજ 4 કરતાં વધુ બળાત્કારની ઘટના, રોજની અપહરણની 7 ઘટનાઓ, આત્મહત્યાની 20 ઘટનાઓ, દરરોજની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટનાઓ બને છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં લૂંટની 1520 ઘટનાઓ, 1944 હત્યાની, 370 ઘટનાઓ ધાડની, 21,995 ચોરીની ઘટનાઓ બની છે તો છેલ્લાં બે વર્ષમાં 3095 બળાત્કાર અને અપહરણની 4829 ઘટના બની. આ તમામ ઘટનાઓમાં પોલીસે માત્ર 4043 આરોપીઓની જ ધરપકડ કરી છે.