અમદાવાદઃ સપ્ટેમ્બર માસની તારીખ 22 થી 27 સપ્ટેમ્બર દરમ્યાન નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ કે જે મેમનગરમાં આવેલી છે તે શાળાના 26 બાળકો, તેમના શિક્ષક-ટ્રસ્ટી-વાલીઓ સહ દુબઈ-વિદેશ ટુર પર ગયા હતા .જેમાં 8 બાળકો એકલા ટૂર પર આવ્યા હતા.પ્રથમ દિવસે વિમાન દ્વારા દુબઈ પહોંચ્યા હતા અને બીજા દિવસે દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાના 125માં માળે બાળકો પહોચ્યા હતા.
સૌથી ઊંચી ઈમારતની મુલાકાત યાદગાર રહી હતી. ત્યાંથી દુબઈમોલ, ડાન્સિંગ ફાઉન્ટેન, અંડરવોટર ઝુ, અંડરવોટર ટનલ, અંડરવોટર અેકવેરીયમની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ ધાવક્રુઝમાં બાળકોને બેસાડી ડિનર સહ ડાન્સની મઝા પણ બાળકોએ ચાલુ ક્રુઝે લીધી હતી. ત્રીજા દિવસે દુબઈ સીટી ટુર કરવામાં આવી હતી જેમાં મરીના દરિયા કિનારે હેરીટેજ શો રૂમ, ઊંચી ઈમારતો,અંડરવોટર ટનલ, રોયલ ફેમીલી બંગ્લોઝની મુલાકાત લઇ ડેઝર્ટ સફારી એટલે કે રણની મુલાકાતે બાળકો ગયા હતા જેમાં નાની ગાડીમાં બેસાડી રણની નાની-મોટી ટેકરીઓ પર બાળકોને ફેરવવામાં આવ્યા હતા અને રણ સ્થિત કેમ્પમાં ડિનર સહ તનુરા અને બેલે ડાન્સની મઝા માણી હતી જેમાં બાળકો પણ જોડાયા હતા.ચોથા દિવસે અબુધાબી સીટી ટુરની મુલાકાતે બાળકો ગયા હતા. જેમાં ત્યાંની પ્રખ્યાત મસ્જિદ મસ્કની મુલાકાત લીધી હતી. સાથે ઊંચી ઈમારતો, બ્રિજ, યસ આઈસલેન્ડ, ફેરારી વર્લ્ડની પણ મુલાકાત લીધી હતી.
દુબઇના ગોલ્ડ બજારની મુલાકાતે પહોંચેલા બાળકો ને 58 કિલોની વીંટી – બુટ,લેડિઝ સ્કર્ટ જેવી અનેક ચીજ વસ્તુઓ બતાવી- ખરીદી કરી બાળકોને રાત્રે અમદાવાદ પરત લાવવામાં આવ્યા હતા. ડાન્સ, સુંદર ઊંચી ઈમારતો, ધાવ ક્રુઝ, ડેઝર્ટ સફારી, બુર્જ ખલીફા, મરીના બીચ, મસ્ક મસ્જિદ, અંડરવોટર ઝૂ-ટનલ-એક્વેરિયમ, ગોલ્ડ સુખ અને મીનાબાજાને આ ટુરની યાદગાર ક્ષણો કહી શકાય કે જેમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી.
અમદાવાદ આવ્યા બાદ મનો દિવ્યાંગ બાળકોની દુબઇ ટુર ના ફોટો -વિડિયો, લોગ-બુક વર્લ્ડ રેકોર્ડની નોંધણી માટે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્, એશિયા પેસિફિક બુક ઑફ રેકોર્ડસ્ અને લિમકા બુકમાં મોકલી આપવામાં આવ્યા છે. આ 4 રેકોર્ડ બુક્સ ધ્વારા આ વિદેશ ટુરની નોંધ વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવાની મેલ દ્વારા બાહેધરી મળી ચૂકી છે, ટૂંક સમયમાં જ વર્લ્ડ રેકોર્ડના સર્ટીફીકેટ સંસ્થાને એનાયત કરવામાં આવશે.
(અહેવાલઃપ્રજ્ઞેશ વ્યાસ)