અમદાવાદ: ખેલાડીઓ, કલાકારો, રાજકારણીઓ, જાણીતી હસ્તીઓ સાથે ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ લેવાનો એમના ચાહકોમાં અનોખો શોખ હોય છે. સેલિબ્રિટીની યાદોંના સંગ્રહ માટે કે એમનાં બર્થડેની પણ ચાહકો પોતાના અલગ જ અંદાજમાં ઉજવણી કરતાં હોય છે.
અહીં વાત છે ખેલાડી, કલાકારો, મહાનુભાવો અને ઇતિહાસનો અનોખી રીતે સંગ્રહ કરતાં શીતલ ભટ્ટ અને રવિ ભટ્ટ નામના અમદાવાદી બંધુઓની…
ખેલાડીઓ, કલાકારો, મહાનુભાવોની યાદગીરીનો સંગ્રહ અને બર્થડેનું સેલિબ્રેશન ચાહકો અનોખા અંદાજ માં જુદી જુદી રીતે કરતાં હોય છે. શીતલ ભટ્ટ અને રવિ ભટ્ટે પણ ક્રિકેટરો, કલાકારો, જાણીતી માનીતી હસ્તીઓનાં એક્સક્લુઝિવ આલ્બમ તૈયાર કર્યા છે. જેમાં મહાનુભાવોની જન્મતારીખ અને યાદગાર ક્ષણની તસવીર સાથે એ દિવસ જે તારીખ હોય એ ચલણી નોટ ભેગી કરી આલ્બમમાં ચોંટાડી છે. એમાંય જન્મતારીખ કે ઐતિહાસિક ક્ષણ હોય એ તારીખના નંબર વાળી નવી જ નોટ ફોટોગ્રાફ્સ સાથે આલ્બમમાં મુક્યા છે.
શીતલ ભટ્ટ અને રવિ ભટ્ટ ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘અમને ક્રિકેટર, કલાકારો, મહાનુભાવો અને ભારતીય પરંપરા ઇતિહાસ પર ખૂબ જ માન છે. જેના કારણે લગભગ 2015ની સાલથી અમે અનોખી રીતે આલ્બમો તૈયાર કર્યા છે. જેમાં ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, મહાનુભાવો અને ભારતનો ઇતિહાસ અમારી દ્રષ્ટિએ આલ્બમ સ્વરુપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મહાનુભાવો પ્રત્યેનો આ અમારો આદર, ઉત્સાહ અને સંગ્રહ કરવાનો શોખ છે.
‘અમેરિકાના પ્રમુખ અને અમિતાભ બચ્ચન જેવા મહાનુભાવોના આલ્બમ ભવિષ્યમાં આ જ રીતે તૈયાર કરશું.’
‘લોકો સ્ટમ્પ, બેટ, ટોપી કે કાગળો પર ઓટોગ્રાફ લઇ ફોટોગ્રાફ પડાવે છે. અમે સેલિબ્રિટીની યાદોંને આલ્બમ બનાવી જાળવણી કરીએ છીએ. આ આલ્બમમાં ગમે તેટલો સમય લાગે પણ એ ફોટો ને અનુરૂપ તારીખ સાથેની ચલણી નોટ, ફોટો મુકીએ છીએ. આ સાથે અનોખી ગોલ્ડન ડિઝાઇન પણ તૈયાર કરાવવામાં આવે છે,’ એમ ભટ્ટ બંધુઓએ જણાવ્યું.
(પ્રજ્ઞેશ વ્યાસ)