પેસેન્જરોની સંખ્યા વધતાં અમદાવાદને મળશે ત્રીજું ટર્મિનલ

અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટૂંક સમયમાં ત્રીજું ટર્મિનલ મળવાની શક્યતા છે. એરપોર્ટ સતત વધી રહેલી પેસેન્જરોની સંખ્યાને જોતાં ત્રીજા ટર્મિનલની સંભાવના ચકાસવામાં આવી રહી છે. અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે જણાવ્યું હતું કે હાલ T 1 અને T 2ના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. શહેરમાં પેસેન્જરોની સંખ્યામાં વધારાને જોતાં એરપોર્ટને એક નવું ટર્મિનલની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે અમે આ યોજના પર કામ કરી રહ્યા છે. ટર્મિનલ એક અને બેની હાલની ક્ષમતા વાર્ષિક એક કરોડ પેસેન્જરોની છે. ત્રીજા ટર્મિનલ મળવા પર પેસેન્જરોની વાર્ષિક ક્ષમતા વધીને 1.6 કરોડની થઈ જશે. વર્તમાન વર્ષમાં અમે 1.3 કરોડ પેસેન્જરોની અપેક્ષા કરી રહ્યા છીએ. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંબઈ એરપોર્ટ વાર્ષિક 4.5 કરોડ પેસેન્જરોને એક રનવેથી સંભાળે છે. એટલા માટે અદાણી ગ્રુપ સિંગલ રનવેથી T 1, T2 અને પ્રસ્તાવિત T ના ટ્રાફિકને સરળતાથી હેન્ડલ કરી શકે છે. ત્રીજા ટર્મિનલ પર સિંગલ રનવે હશે.

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાજ્યનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. રાજ્યમાં 10 એરપોર્ટ છે, જેમાં મુંદ્રા એરપોર્ટ ખાનગી છે, જ્યારે ધોલેરા અને રાજકોટનું એરપોર્ટ નિર્માણાધીન છે, જે શરૂ થતાં કુલ એરપોર્ટની સંખ્યા 12 થશે. જોકે મહેસાણાનું એરપોર્ટ ફ્લાઇંગ સ્કૂલ માટે ઉપયોગમાં લેવાય છે. રાજ્યમાં રાજકોટ અને ધોલેરા એરપોર્ટ પણ આંતરરાષ્ટ્રીય થશે. પેસેન્જરોની સંખ્યા અને ટ્રાફિક મામલે અમદાવાદનું  એરપોર્ટ સાતમા ક્રમે છે.