રાજ્યમાં લલનીનોને કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે બીજી બાજું રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ કરતા વધું વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે 24 કલાકમાં 68 તાલુકામાં અઢી થી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં અરવલ્લીના ભીલોડામાં સૌથી વઘુ 2.56 ઈંચ, મહીસાગરના બાલાસિનોરમાં 2.17 ઈંચ, વલસાડના ઉમરગાંવમાં 2 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. આ સિવાય પંચમહાલના મોરવા હડફ-શેહરા, મહીસાગરના લુણાવાડા-વિરપુર, મહેસાણા, નવસારીના ગણદેવીમાં 1 ઈંચથી વઘુ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા સોમવારે-મંગળવારના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે.
ત્યારે બીજી બાજું અમદાવાદ જિલ્લામાં હાલ સુધીમાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. શહેર સહિત જિલ્લામાં સિઝનનો સરેરાશ 26.69 ઈંચ સાથે સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો 100 વરસાદ વરસ્યો હોય તેવું વર્ષ 2019 બાદ પ્રથમવાર બન્યું છે. જિલ્લામાંથી આ વખતે અત્યાર સુધી ધોળકામાં 37.44 ઈંચ સાથે સૌથી વઘુ 128.69 ટકા જ્યારે સાણંદમાં 18.18 ઈંચ સાથે સૌથી ઓછો 58 ટકા વરસાદ પડ્યો છે. આ સિવાય જ્યાં સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો હોય તેમાં અમદાવાદ શહેર, બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ, ધોળકા, માંડલમાં 100 ટકાથી વઘુ વરસાદ વરસી ચૂક્યો છે.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.