અમદાવાદ- ભગવાન જગન્નાથ મંદિરે ગુરુવારે ભક્તો માટે ઉત્સાહ અનેભાવભક્તિભર્યો માહોલ બની રહ્યો હતો. કારણ કે પંદર દિવસે મામાને ઘેરથી પાછાં પધારેલાં પ્રભુ જગન્નાથજી બળરામજી અને સુભદ્રાજીને આંખો આવી ગઇ હોવાથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.ગુરુવારે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે. આ બાદ સવારે 8.00 કલાકથી નેત્રોત્સવની વિધિ શરૂ થઇ ગઇ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે પરંતુ આ વખતે આટલા વર્ષોમાં આ વિધિ બે દિવસ પહેલા યોજાઇ રહી છે. પંદર દિવસ બાદ ભગવાન જગન્નાથજીના દર્શન થતાં હોવાથી આજે સવારથી દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
આપને જણાવીએ કે ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. આ પટ્ટા રથયાત્રાના દિવસે જ ઊતારવામાં આવે છે.