અમદાવાદઃ શહેર પોલીસ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્લડ બેન્ક પાલડીના સંયુક્ત ઉપક્રમે ડાયલ ૧૦૦ નામના પાયલોટ પ્રોજેક્ટ આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. પોલીસના સહકારથી જરૂરિયાતમંદ દર્દીને રાહત દરે લોહી પહોંચાડવાનો સમગ્ર દેશમાં આ પ્રથમ પ્રયોગ છે. શહેરના કોઈ પણ નાગરિક જેમને ઇમર્જન્સીમાં તાત્કાલિક લોહીની જરૂરિયાત પડે ત્યારે તેઓ ગુજરાત પોલીસનો ૧૦૦ નંબર ડાયલ કરીને રેડ ક્રોસ બ્લડ બેંકમાંથી લોહી મેળવી શકે છે.
આ વિશેની માહિતી આપતાં શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે ૧૦૦ નંબર ડાયલ કરવાથી પોલીસ વિભાગ દર્દીના નામની નોંધણી કરી તેમને એક ટોકન નંબર આપશે તથા રેડ ક્રોસ બ્લડ બેન્કનો કોન્ટેક્ટ નંબર પણ ફોન કરનારને આપવામાં આવશે.
પોલીસ વિભાગ દ્વારા ફોન કરનારનું નામ તથા ટોકન નંબર રેડ ક્રોસ બ્લડ બેન્કને જણાવવામાં આવશે. ત્યાર બાદ બ્લડ બેન્ક દર્દી અથવા તેના પરિવારને ફોન કરીને દર્દીની સંપૂર્ણ વિગતો મેળવશે, જેમાં દર્દી નું નામ, હોસ્પિટલનું નામ, બ્લડ ગ્રુપ તથા લોહીની કેટલી બોટલોની જરૂરિયાત છે એ જાણીને ટોકન નંબર સાથે ખરાઈ કરશે.
આ ખરાઈ થયા બાદ દર્દીના બ્લડનું સેમ્પલ તથા ડોક્ટરની ચિઠ્ઠી સાથે બ્લડ બેન્ક જઈને લોહી એકત્રિત કરવાનું રહેશે. રેડ ક્રોસ બ્લડ બેન્ક સરકાર માન્ય પ્રોસેસિંગ ચાર્જ લઈને આવેલ વ્યક્તિને રક્ત પૂરું પાડશે. દર્દીની નબળી આર્થિક સ્થિતિમાં રાહત દરે કે નિઃશુલ્ક દરે પણ રક્ત આપવામાં આવશે.
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેન્કના ચેરમેન શ્રી કિરણ ચુડગરે સોસાયટીની કામગીરીની વિગતો આપી હતી અને અમદાવાદ શહેર પોલીસના નવીનતમ પહેલને બિરદાવી હતી.
આ પ્રસંગે સ્પેશિયલ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ શ્રી અજય તોમર, રેડ ક્રોસ સોસાયટીના ટ્રેઝરર શ્રી રશ્મિકાન્ત શાહ, ગુજરાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
