સ્વાઈન ફલૂઃ કોર્પોરેશને હાઈકોર્ટમાં કરી એફિડેવિટ, જણાવ્યાં પગલાં…

અમદાવાદઃ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ 50થી 90 કેસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. પહેલી જાન્યુઆરી, 2019થી અત્યાર સુધીમાં રાજ્યમાં 1900 લોકોને સ્વાઈન ફલૂના કેસ પોઝિટિવ આવ્યા છે, અને 70 લોકોના મોત થયા છે. આ સંજોગોમાં હાઈકોર્ટે પુછયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શું તકેદારી રખાઈ છે, ત્યારે આજે સોમવારે કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહ્યાં હતાં, સ્વાઈન ફલૂ મુદ્દે એફિટેવિટ રજૂ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એફિડેવિટમાં કહ્યું છે કે અમદાવાદમાં આવેલી વી એસ હોસ્પિટલ, એલ જી હોસ્પિટલ સહિત 4 મોટી હોસ્પિટલ અને 74 શહેરી આરોગ્ય કેન્દ્ર અને 7 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાઈન ફલૂની દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સ્વાઈન ફ્લૂના રક્ષણ માટે કોર્પોરેશન પાસે સ્વાઈન ફલૂની દવાઓ ઉપલબ્ધ છે અને પુરતો સ્ટોક પણ છે.

ચાલુ વર્ષ 11મી ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લુના 495 કેસ નોંધાયા છે, તેમ કોર્પોરેશને સત્તાવાર રીતે હાઈકોર્ટમાં જણાવ્યું છે. અમદાવાદની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ હોવાનો કોર્પોરેશનનો દાવો કર્યો છે. સ્વાઈન ફ્લુના ટેસ્ટ માટે શહેરમાં 7 લેબોરેટરી હાલ કાર્યરત છે. તેમજ કોર્પોરેશન પ્રચારપ્રસાર માધ્યમથી સ્વાઈન ફ્લૂ અંગે જાગૃરતા ફેલાવી હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે.