અમદાવાદના રિવરફ્રન્ટ પર કેસર કેરી મહોત્સવ શરૂ

અમદાવાદઃ કેરીની સીઝન આવી ગઈ છે. કેરી એટલે ફળોનો રાજા. રસ, સ્વાદ અને મીઠાશનો ત્રિવેણી સંગમ એટલે કેરી. સ્વાદરસિયા અમદાવાદીઓને કાર્બાઈડ વિનાની કેરી સસ્તા દરે મળી રહે તે હેતુથી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા “કેસર કેરી મહોત્સવ 2018” નું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના નગરજનોને એક જ સ્થળેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા પકવેલી અને કાર્બાઈડ વિનાની કેસર કેરીઓ વ્યાજબી ભાવે મળી રહે તે હેતુથી દર વર્ષની જેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આજથી સાબરમતી રીવરફ્રન્ટ પર વલ્લભ સદનની પાછળના ભાગે આ કેસર કેરી મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે.

અહીંયા વેચાણની સાથે તમને વિવૈધ્યસભર કેસર કેરીઓ પણ જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે અહીંયાથી તમે કેરીની ખરીદી પણ કરી શકશો. આ કેરીઓ ગુજરાતના વિવિધ પ્રદેશના ખેડુતો દ્વારા પ્રાકૃતિક રીતે પકવવામાં આવેલી અને કાર્બાઈડ વગરની કેરીઓ હશે.

અમદાવાદ રીવરફ્રંટ ખાતે કેસર કેરી મહોત્સવ 2018ને આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. એક મહિના સુધી અહીંયાથી કેરીઓનું વેચાણ થશે. અને સવારે 9 વાગ્યાથી લઈને રાત્રીના 8 વાગ્યા સુધી અહીંયાથી કેરીઓનું વેચાણ કરવામાં આવશે.