અમદાવાદ- હાલ ચાલી રહેલી બેવડી ઋતુના કારણે લોકો પરેશાન થયાં છે. અમદાવાદમાં બેવડી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે મચ્છરજન્ય રોગોથી પણ લોકો પરેશાન થયાં છે.અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે પી.વી, પી.એફ., ડેગ્યુ અને ચીકનગુનીયા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં નોંધાયેલા કેસોની જો વાત કરવામાં આવે તો, ઓક્ટોબર મહિનામાં આજ દિન સુધીમાં સાદા મેલેરીયાના 200 કેસ, ઝેરી મેલેરીયાના 45, ડેગ્યુના 150 અને ચીકનગુનીયાનો 01 કેસ નોંધાયો છે. જેની સામે ગત વર્ષે ઓક્ટોબર 2017માં આ સંખ્યા બમણી હતી.
ગત 13 ઓક્ટોબર 2018 સુધીમાં 66,444 લોહીના નમુનાની તપાસ કરવામાં આવી હતી, જ્યારે સમાન સમયગાળામાં 1536 સીરમના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોની જો વાત કરવામાં આવે તો ચાલુ મહિને ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ 139, કમળાના 140, અને ટાઈફોઈડના 168 કેસ નોંધાયા છે, કોલેરાનો ચાલુ મહિને એક પણ કેસ નોંધાયો નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફુડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત ચાલુ માસમાં 128 જેટલા અલગ અલગ ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતાં જેમાંથી 3920 કિલો ગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો.