ગાંધીનગરઃ પેન્શન, મફત મુસાફરી, મેડિકલ સુવિધાઓ સહિતની માંગણીઓને લઈને ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ રુપાણી સરકાર વિરુદ્ધ બાંયો ચઢાવી છે. પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્યોની સમસ્યાઓનું સમાધાન આવવું જ જોઈએ.
ગુજરાતના પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં પૂર્વ ધારાસભ્યોએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી છે. કાઉન્સિલના અધ્યક્ષ પૂર્વ મંત્રી બાબૂ મેઘજી શાહે જણાવ્યું કે, દેશના 27 રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન, ભથ્થાઓ મળે છે. માત્ર ગુજરાતના ધારાસભ્યોને જ પેન્શનનો લાભ નથી મળી રહ્યો.
રાજ્યમાં 500 પૂર્વ ધારાસભ્યો છે. આ પૈકી 231નું નિધન થઈ ચૂક્યું છે, જ્યારે 329 ધારાસભ્યો હયાત છે. શાહે જણાવ્યું કે, વર્તમાન વિધાનસભાના બે તૃતિયાંશ ધારાસભ્યો કરોડપતિ છે, પરંતુ ઘણા પૂર્વ ધારાસભ્યોને પોતાનું ગુજરાન ચલાવવા અને સારવાર માટે પણ મુશ્કેલીઓ ઉઠાવવી પડી રહી છે. પૂર્વ ધારાસભ્યો પેન્શન, યાત્રા સુવિધા, મેડિકલ અને અન્ય ભથ્થાની માંગને લઈને 27 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં ધરણા કરશે.
પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્યોની સમસ્યાઓ પર સરકાર વાત કરવા માટે પણ તૈયાર નથી. પૂર્વ ધારાસભ્યોમાં સરકારને લઈને ખૂબ નારાજગી છે. તે પ્રેશર કૂકરની જેમ ગમે ત્યારે ફાટી શકે છે. તેમનું કહેવું છે કે સરકારને ઘણીવાર ચેતવી છે, પરંતુ સરકાર તેમની સમસ્યાઓને દૂર કરવાની વાત તો ઠીક પરંતુ વાત કરવા માટે પણ તૈયાર નથી. બેઠકમાં ભાજપા સરકારના જ પૂર્વ મંત્રી ભરત બારોટ, પૂર્વ મંત્રી માયાબેન કોડનાની સહિતના લોકો પણ જોડાયા હતા.