અમદાવાદ: 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહા શિવરાત્રિનો મહા પર્વ પણ છે. અમદાવાદ શહેરના સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી શહેરના જૂના વિસ્તારમાં ફરવાની છે.
અમદાવાદમાં ઘણા વર્ષો બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સ્થાપના દિવસે જ માતા ભદ્રકાળીએ નગરયાત્રા પર નીકળશે. ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના નગરપતિ એટલે કે, મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, જેમાં મોરપીંછથી રસ્તો વાળી માતાજીની નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભદ્રકાળીની આ નગરયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે. તમામ સ્થાનો પર ભાવિક ભક્તોએ માતાનું પુષ્પ અર્પણ કરી ઢોલનગારા વગાડી સ્વાગત કરશે. યાત્રાના રૂટમાં માણેકચોક, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ, AMC ઓફિસ અને જગન્નાથ મંદિર જેવા મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન સવારથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આવતીકાલે આ રોડ બંધ રહેશે
યાત્રાને લઈને કાલે સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા વીજળી ઘર તરફના તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. યાત્રા પસાર થઈ ગયા બાદ રસ્તા નાગરિકોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેકચોક સોની બજાર સહિતનાં બજારો બપોર સુધી બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી નગરને વસાવનાર રાજા કર્ણદેવ હતા અને તેમનાં કુળદેવી ભદ્રકાળી માતાજી હતાં. રાજા કર્ણદેવે માતા ભદ્રકાળીની સ્થાપના કરી હતી, જેથી તેને નગરદેવી તરીકે કહેવામાં આવ્યાં છે. લોકવાયકા મુજબ 614 વર્ષ પહેલાં કર્ણાવતી નગર હતું, ત્યારે માતાજીની નગરયાત્રા નીકળતી હતી. જે સમયથી મોગલકાળ શાસન શરૂ થયું, ત્યારથી આ નગરયાત્રા બંધ થઈ ગઈ હતી.
