અમદાવાદ- વાતાવરણમાં આખી દુનિયામાં સીઝનલ સર્કલ ક્યાંકને ક્યાંક જોખમાયેલું જોવા મળી રહ્યું છે. હજુ તો ફોની વાવાઝોડાંની આફતની અસર છે ત્યાં વળી બીજું એક વાવાઝોડું તોળાઈ રહ્યું છે. ઉત્તર પશ્ચિમ તરફથી ભારતની પશ્ચિમ સરહહે આગળ વધી રહેલું આ વાવાઝોડું ગુજરાતને પણ અસર કરે તેવી શક્યતાઓ છે.પાકિસ્તાન પર સર્જાયેલ હવાના હળવા દબાણને કારણે ગુજરાત પર વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 48 કલાક બાદ એટલે કે તારીખ 10 મેથી ત્રણ દિવસ દરમિયાન ભારેથી સામાન્ય પવન ફૂંકાશે અને હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી 48 કલાકમાં ગુજરાત પર 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, અને સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની ધારણા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદના છાટા પડશે. જો કે જે દિવસો દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આજે બુધવારે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવાયો છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી, સુરેન્દ્રનગર, અમરેલી અને ગાંધીનગર 40 ડિગ્રી, રાજકોટમાં 40.8, વડોદરા અને ડીસામાં 40.2 ડિગ્રી અને સૂરતમાં 33.4 ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલે હજી વધુ તાપમાનમાં ઘટાડો જોવા મળશે