22 સાલ બાદ રૂપાલાએ અમરેલીનો બદલો રાજકોટમાં લીધો, ક્ષત્રિય આંદોલન બેઅસર

રાજકોટ: સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં સહુ કોઈની નજર રાજકોટ લોકસભા બેઠક ઉપર મંડાઈ હતી અને આજે પરિણામો જાહેર થતાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને કારમી હાર આપીને 22 વર્ષ પહેલાં અમરેલીનો રાજકીય બદલો રાજકોટમાં લીધો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2002માં અમરેલી વિધાનસભા બેઠક ઉપર પરેશ ધાનાણીએ રૂપાલાને હાર આપી હતી.

સૌરાષ્ટ્રમાં આજે સવારથી 7 બેઠકના પરિણામોએ જામનગર, રાજકોટ અને અમરેલીએ ભારે ઉત્તેજના જગાવી હતી. રાજકોટ બેઠક ઉપર ભાજપના રૂપાલા હાલ 2.30 લાખની જંગી લીડથી આગળ છે. રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું અને આખા રાજ્યમાં તેની અસર જોવા મળી પરંતુ ચૂંટણીના પરિણામમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર સૌરાષ્ટ્રમાં જોવા ન મળી. રાજકોટ બેઠકનું પણ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબ જ પરિણામ આવ્યું છે.

રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસે માહોલ જરૂર બનાવ્યો હતો પરંતુ ભાજપનું સંગઠન અને છેલ્લે કેટલાક આગેવાનોને પક્ષમાં લીધા તેના સમીકરણો ફાયદામાં રહ્યા અને પટેલ સમાજના મતોનું ધ્રુવીકરણ ધારણા મુજબનું ન થયું એટલે કોંગ્રેસ ને હાર ખમવી પડી છે.

સૌરાષ્ટ્રની તમામ 7 બેઠક ફરી એક વાર ભાજપે કબજે કરી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જામનગર અને સુરેન્દ્રનગર બેઠક પર કસોકસ નો જંગ રહ્યો હતો. પોરબંદર, ભાવનગર, અને જૂનાગઢ બેઠક પર કેસરિયો ફરી લહેરાયો છે. લોકસભા ઉપરાંત પોરબંદર અને માણાવદર વિધાનસભાની બેઠક ઉપર પણ ભાજપે જંગી લીડથી વિજય મેળવ્યો છે. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં વધુ એક વખત નબળી પડી છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ )
તસવીરો, નિશું કાચા