અદાણીની ગુજરાત જાયન્ટ્સ ખો-ખો લીગમાં ચેમ્પિયન બની

કટકઃ ગુજરાત જાયન્ટ્સે શનિવારે રમાયેલી અલ્ટિમેટ ખો-ખો લીગની બીજી સીઝનની ફાઈનલમાં પોતાના હરીફ ચેન્નાઈ ક્વિક ગન્સને સરળતાથી હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. ખો-ખોની રમતના વિકાસમાં યોગદાન આપવા કટિબદ્ધ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમ ખો-ખો લીગમાં પ્રથમ વાર ચેમ્પિયન બની છે. જાયન્ટ્સે ફાઈનલમાં 31-26ના અંતરથી ચેન્નાઈને હરાવ્યું, ટીમે સંપૂર્ણ મેચમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન અક્ષય ભંગારેએ કહ્યું હતું કે અમે બીજી સીઝનમાં ચેમ્પિયન બન્યા તેનો આનંદ છે. ટીમે સંપૂર્ણ સીઝનમાં શાનદાર  પ્રદર્શન કર્યું છે. આ જીતનું શ્રેય અમારી પાછળ સતત મહેનત કરી રહેલ અદાણી સ્પોર્ટ્સ લાઈનની ટીમને જાય છે. આ ઉપરાંત અમારી જીત તમામ ખો-ખો ખેલાડીઓને પ્રેરિત કરનારી જીત છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકી ધરાવતી ગુજરાત જાયન્ટ્સની ટીમ માટે કટકમાં યોજાયેલી લીગ ઘણાં ઉતાર-ચઢાવથી ભરપૂર રહી હતી. ગુજરાતની ટીમ દર્શકોને એન્ટરટેઇન કરનાર ટીમમાંથી એક રહી હતી. ટીમે લીગ રાઉન્ડમાં 21 પોઈન્ટ્સ અને 55ના સ્કોર ડિફરન્સ સાથે ત્રીજા સ્થાને રહી અંત કર્યો હતો, જેમાં ટીમે છ મેચ જીતવાની સાથે અમુક મેચ ટાઈ કરી હતી અને અમુક મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સે સેમી ફાઈનલમાં હોમ ટીમ ઓડિશા જગરનૉટને મજબૂત ટક્કર આપી અને રોમાંચક મેચને 29-27થી જીતી હતી. અદાણી એન્ટરપ્રાઈઝનાં ડિરેક્ટર પ્રણવ અદાણીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાત જાયન્ટ્સે ખો-ખોમાં જાદુ કરી દેખાડ્યો અને ટ્રોફી જીતી હતી, એ માટે કોચ સંજીવ શર્મા, આસિસ્ટન્ટ કોચ મહેશને યાદગાર સફરના સફળ અંત માટે અભિનંદન. આ ઐતિહાસિક જીત છે.