પોસ્કો-અદાણી જૂથ વચ્ચે સમજૂતી કરાર

અમદાવાદ, ૧૩ જાન્યુઆરી ૨૦૨૨: ગુજરાતના મુંદ્રા ખાતે અનુકૂળ હરિયાળા પર્યાવરણને સાંકળી લેતી સ્ટીલ મિલની સ્થાપના તેમજ અન્ય વ્યવસાયો સહિત વ્યવસાયિક સહકારની તકો શોધવા પોસ્કો અને અદાણી સમૂહ સંમત થયા છે. અંદાજે પાંચ બિલિઅન અમેરીકી ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ સમજૂતી કરાર વાસ્તવિક આકાર લેવા સાથે ગુજરાતના વિકાસમાં મહત્વના પરિબળ તરીકે ઉભરી આવશે.

પોસ્કો અને અદાણી વચ્ચે સહી થયેલ આ બિન-બંધનકર્તા સમજૂતી કરારમાં કાર્બનના ઉત્સર્જનમાં આવશયક ઘટાડાને વેગ આપવાની દિશામાં અદાણી ઉદ્યોગ સમૂહનો ઇરાદો રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન અને લોજિસ્ટિકસ જેવા ભિન્ન ભિન્ન ઉદ્યોગોમાં વ્યાપારી સ્તરે વધુ સહયોગ કરવાનો છે.

બંને પક્ષો દરેક કંપનીની ટેકનિકલ, નાણાકીય અને ઓપરેશનલ શક્તિઓને સહકાર આપવા અને તેનો ફાયદો ઉઠાવવા માટે વિવિધ વિકલ્પો તપાસી રહ્યા છે. આ સહયોગમાં પોસ્કોની અતિ આધુનિક ટેક્નોલોજી અને સંશોધન અને વિકાસની મોખરાની ક્ષમતા આધારિત ગુજરાતના મુન્દ્રા ખાતે સંયુકત રીતે સંકલિત સ્ટીલ મિલનું મૂલ્યાંકન સામેલ છે.

ટકાઉ અને કાર્યક્ષમ ઊર્જા માટે ઇએસજીની પ્રતિબદ્ધતાઓને વરેલા પોસ્કો અને અદાણી બન્ને ભાગીદારો તેને અનુરુપ રિન્યુએબલ એનર્જી સંસાધનો અને ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવે છે. પોસ્કોના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર જેઑગ-વુ, ચોઈએ જણાવ્યું હતું કે, “સ્ટીલ અને પર્યાવરણને અનુકૂળ વેપારમાં પોસ્કોની સ્ટીલ નિર્માણમાં અદ્યતન ટેકનોલોજી અને ઊર્જા તેમજ આંતરમાળખાના ક્ષેત્રમાં અદાણીની નિપૂણતા સાથે પોસ્કો અને અદાણી વિરાટ તાલમેલ સાધવા સક્ષમ છે. ”આ સહયોગ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સારા અને લાંબાગાળાના વેપારનું સહકાર મોડલ બની રહેશે એવી આશા તેમણે વ્યકત કરી છે.

૧૯૮૮માં સ્થપાયેલા અને અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતું અદાણી ગ્રુપ લોજિસ્ટિકસ (બંદરો, એરપોર્ટ, શિપિંગ અને રેલ), સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ તેમજ રિન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખા અને અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે અને ભારતમાં વૈવિધ્યસભર વ્યવસાયિક ગતિવિધીમાં તેનો સૌથી મોટો અને સૌથી વેગીલી ઝડપે વિકસતો પોર્ટફોલિયો છે. વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવા અને ભવિષ્યમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે અદાણીએ તાજેતરમાં વિશાળ રોકાણ એક યોજનાની જાહેરાત કરી છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સ્ટીલ ઉત્પાદન અને કાર્બન ઘટાડવામાં વિશ્વની સૌથી કાર્યક્ષમ અને અદ્યતન સ્ટીલ ઉત્પાદક કંપની પોસ્કો સાથે ભાગીદારીની જાહેરાત કરતા આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરતા કહ્યું હતું કે, “આ ભાગીદારી ભારતના ઉત્પાદન ઉદ્યોગના વિકાસમાં અને ભારત સરકારની આત્મનિર્ભર ભારતની બહુલક્ષી યોજનામાં યોગદાન આપશે. તદુપરાંત ગ્રીન બિઝનેસમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે.”

પોસ્કોની પોસ્કો-મહારાષ્ટ્ર સંચાલિત ૧.૮ મિલિયન ટન કોલ્ડ-રોલ્ડ અને ગેલ્વેનાઈઝડ મિલની ગણના ભારતમાં સૌથી અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ સપ્લાયર તરીકે થાય છે, અને તેના પુણે, દિલ્હી, ચેન્નાઈ અને અમદાવાદમાં ચાર પ્રોસેસિંગ કેન્દ્રો છે. પોસ્કો અને અદાણી વચ્ચેનો આ વ્યવસાયિક સહયોગ ભારતીય સ્ટીલ ઉદ્યોગમાં પ્રભાવશાળી ભાગીદારી લાવશે એવી ધારણા છે. પોસ્કો અને અદાણીએ આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારનું સમર્થન અને સહકાર મળી રહે તે માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે.

પોસ્કો દક્ષિણ કોરિયાની સૌથી મોટી ખ્યાતનામ કંપની છે અને ૧૨ વર્ષથી લગાતાર તેને “ધ વર્લ્ડસ મોસ્ટ કોમ્પીટીટીવ સ્ટીલમેકર’ તરીકે નામાંકીત કરવામાં આવે છે.