અદાણી ફાઉન્ડેશન હજીરા, સુરત અંતર્ગત શૈક્ષણિક ઉત્થાન માટેના ઉત્થાન પ્રોજેક્ટની ઉજવણી ભટલાઈ પ્રાથમિક શાળામાં યોજાઈ. આ કાર્યક્રમનું આયોજન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં વાલી સમુદાય, શિક્ષણ વિભાગ અને ઉત્થાન સહાયકોએ સંયુક્ત રીતે કર્યું હતું.
અદાણી ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી સરકારના શિક્ષણ વિભાગના સહયોગથી સરકારી શાળામાં વાંચન, લેખન અને ગણનમાં કચાસ ધરાવતા બાળકો માટે ઉત્થાન પ્રોજેકટ થકી પ્રયત્નશીલ રહ્યું છે. આ પ્રયત્ન શરૂ થયાને પાંચ વર્ષ થયા છે એની ઉજવણી આજે ભટલાઇ ખાતે થઈ હતી.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેય મુજબ શિક્ષણના પાયાના મૂળભૂત કૌશલ્યો વાંચન, ગણન અને લેખનને બાળકોને હસ્તગત કરાવવાનું લક્ષ્ય ઉત્થાન પ્રોજેકટનું છે. સાથે સાથે જ બાળકોના ભાવનાત્મક, સામાજિક, બૌધિક એમ સર્વાંગી વિકાસ માટે ઉત્થાન સહાયકો સરકારી શાળામાં શિક્ષકના સહયોગમાં કાર્ય કરે છે. આ પ્રયત્નનો એક અભ્યાસ એક ખાનગી એજન્સી મારફત થયો છે, એમના આ સંશોધનને આજે શિક્ષણ મંત્રીના હસ્તે જાહેર કરાયો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઉત્થાનના વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણિતના કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે. 94.8% વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં ભાગીદારીમાં સુધારો નોંધાવ્યો. 76.9% વિદ્યાર્થીઓએ સહાયક શિક્ષકોને સંચાર, નેતૃત્વ અને કમ્પ્યુટર સાક્ષરતા જેવા કૌશલ્યને સુધારવા માટે શ્રેય આપ્યો.
રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, જ્ઞાનનું દાનએ સૌથી મોટું દાન છે અને અદાણી ફાઉન્ડેશન એવું કાર્ય કરે છે. હું શિક્ષણમંત્રી તરીકે એમને અભિનંદન પાઠવું છું. વધુમાં કહ્યુ કે, કર્મ શ્રેષ્ઠ છે, નિષ્કામ શ્રેષ્ઠ છે એવું જ્ઞાન શિક્ષણ ગીતાના મધ્યમ થકી ગુજરાતની અનેક શાળામાં સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે. બાળકોમાં સદભાવના, સત્ય, પ્રેમ, કરુણા અને વ્યવહાર એ ગામડાની સંસ્કૃતિ શીખવે છે, જેણે ગામડું નથી જોયું એની કેળવણી અધૂરી છે.
રાજ્ય સરકારે રાજયમાં શિક્ષણ ક્ષેત્રે અનેક બદલાવ લાવીને શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધા વધારી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૯૬૦૦૦ શાળા સ્માર્ટ ક્લાસ થયા છે, ૨૧૦૦૦ કમ્પ્યુટર લેબ અને ૧૬૦૦૦ નવા ઓરડા બનાવ્યા છે. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટનો પ્રયત્ન એ ખૂબ આવકારદાયક છે. સરકાર સાથે મળીને થઈ રહેલા પ્રયત્ન થકી જે બદલાવ આવ્યો છે એ મે જાણ્યું છે. આ ઉત્થાન પ્રોજેકટ એ સરકાર, સમાજ, ઉદ્યોગના સહિયારા પ્રયત્નોનું ઉદાહરણ છે.
કાર્યક્રમની શરૂઆતમાં અદાણી ફાઉન્ડેશનના શિક્ષણ વિભાગના વડા જતિન ઉપાધ્યાયએ ઉત્થાન પ્રોજેકટની વિગત આપી હતી. અદાણી ફાઉન્ડેશનના ગુજરાતના વડા પંક્તિબેન શાહએ સૌનું સ્વાગત કર્યું હતું. મહેમાનોના હસ્તે ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટનું અને ઉત્થાન સહાયકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સક્સેસ સ્ટોરી પુસ્તકનું થયું હતું. અદાણી ફાઉન્ડેશન તરફથી દામકાની સંજીવની હાઇસ્કુલના વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધામાં ભાગ લેનાર કુણાલ સુરતીને રૂપિયા 25,000નો ચેક, દામકા સંજીવની હાઈસ્કૂલના હિરલ પટેલ જેમણે રાષ્ટ્રીય કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમને રૂપિયા 20,000નો ચેક તેમજ સંજીવની હાઈસ્કૂલ દામકાને વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાને વધુ પ્રોત્સાહન મળે એના માટે જરૂરી સાધનો લઈ શકાય, એ હેતુસર રૂપિયા એક લાખનો ચેક મહેમાનઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
વાલીઓ, વિદ્યાર્થીઓ, આચાર્યો, સરપંચોએ ઉત્થાન સહાયકોના યોગદાનને બિરદાવયુ હતું. મોરા પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્થાન પોજેક્ટની કામગીરી પ્રહર્સન દ્વારા રજૂ કરી હતી. ભટલાઈ, દામકા, મોરા, અભેઠા પ્રાથમિક શાળાના બાળકોએ પ્રસ્તુતિ આપી હતી.