અમદાવાદઃ મેડિકલ ડિવાઈસ માટેના બાયોકોમ્પેટીબિલિટી ટેસ્ટ બિઝનેસને લગતા વૈશ્વિક માર્કેટ અહેવાલમાં ગુજરાત સ્થિત કોન્ટ્રાક્ટ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન-સીઆરઓ- એક્યુપ્રેક રીસર્ચ લેબ્સનું નામ ઝળક્યું છે. અમેરિકાની એજન્સી એચટીએફ માર્કેટ ઈન્ટેલિજન્સ કન્સલ્ટીંગ પ્રા.લિ. તરફથી સઘન અભ્યાસ અને વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય બિઝનેસ રિપોર્ટમાં સ્થાન પામનાર એક્યુપ્રેક ગુજરાતનું એકમાત્ર સીઆરઓ છે.આ રીપોર્ટ બનાવવામાં વિવિધ પરિબળો જેવા કે ટેસ્ટિંગનો અમલ કરવાની પદ્ધતિ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે. મેડિકલ ડિવાઈસ માટે કરવામાં આવતા વિવિધ પ્રકારના ટેસ્ટમાં વપરાતા મટીરિયલ્સ અને સાધનસામગ્રી જેવી બાબતોને પણ તેમાં ધ્યાનમાં લેવામાં આવે છે. અમેરિકાની એજન્સી એચટીએફ માર્કેટ ઈન્ટેલિજન્સ કન્સલ્ટીંગ પ્રા.લિ. તરફથી બહાર પાડવામાં આવેલા આ અહેવાલમાં અમેરિકા તેમજ યુરોપ,ચીન, જાપાન, એશિયા અને ખાસ કરીને ભારત સહિતના દેશોના સીઆરઓનો અભ્યાસ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અહેવાલમાં દર્શાવવામાં આવેલા મહત્ત્વના સીઆરઓમાં વિકહામ લેબોરેટરીઝ, નોર્થ અમેરિકન સાયન્સ એસોસિયેટ્સ, એક્યુપ્રેક રિસર્ચ લેબ્સ, નેલ્સન લેબોરેટરીઝ, ટોક્સીકોન, પેસીફિક બાયોલેબ, બાયોકોમ્પ લેબોરેટરીઝ અને જીનિવા લેબોરેટરીઝ વગેરેનો સમાવેશ થાય છે.
એક્યુપ્રેકના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. મનીષ રાચ્છે જણાવ્યું હતું કે મેડિકલ ડિવાઈસ પ્રિ-ક્લિનિકલ ટેસ્ટીંગમાં આઉટસોર્સીંગનું પ્રમાણ વધ્યું છે. જેથી અનેક સીઆરઓમાં તેને લગતા ઈન-વિટ્રો ટેસ્ટની સંખ્યા વધશે. ખાસ કરીને સાયટોટોક્સિસિટી જેવી બાબતો આમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. ભારત સરકારે મેડિકલ ડિવાઈસ ઉત્પાદનના નિયમોમાં સુધારાવધારા કર્યા છે, ત્યારે તેના ઉત્પાદકો બાયોકોમ્પેટીબિલિટી ટેસ્ટનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય એવા સંજોગો જણાય છે.