CM રુપાણીએ અતિવૃષ્ટિની સમીક્ષા રજૂ કરી, 23મીથી ફરી ભારે વરસાદની આગાહી

ગાંધીનગર-ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજી હતી. તેમણે આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય, ઘરવખરી-કેશડોલ્સ સહાય તેમજ ખેતીની જમીનની સ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી.

મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક બાદ મીડિયાને રાજ્યમાં સર્જાયેલી સ્થિતી અને રાજ્ય સરકારના વિભાગો દ્વારા હાથ ધરાયેલા પગલાંઓની ભૂમિકા આપી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં તા.૧૮મી જૂલાઇની ગત વર્ષની તૂલનાએ ૩ ટકા વધુ વરસાદ વરર્સ્યો છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ૪ર ટકા વરસાદ સામે આ વર્ષે ૪પ ટકા વરસાદી પાણી પડયું છે. વરસાદ બિલકુલ થયો જ ન હોય તેવો કોઇ જ વિસ્તાર-તાલુકો રાજ્યમાં નથી. રાજ્યના રરપ તાલુકામાંથી પાંચ ઇંચથી ઓછા વરસાદવાળા માત્ર ૬૦ તાલુકા છે.

વિજય રૂપાણીએ ઉમેર્યું કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ર૩થી ર૬ જુલાઇ દરમ્યાન ઉત્તર ગુજરાત,

મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ થવાની સંભાવનાઓ છે. હવે સૌરાષ્ટ્રના સાગરકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડયો છે તે વિસ્તારના ખેડૂતોને પાક માટે પાણી મળી રહે તેવા ઉદાત અભિગમથી કડાણા જળાશયમાંથી મધ્ય ગુજરાત માટે તેમજ અન્ય વિસ્તારમાં સુજલામ-સુફલામ અંતર્ગત તળાવો ભરીને પાણી પહોચાડવાનો નિર્ણય કર્યો છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નર્મદા કેનાલમાં પણ નર્મદાના પાણી વહાવીને કચ્છ-ધ્રાંગધ્રા, માળિયા, મોરબી જેવા વિસ્તારોમાં ખેડૂતોને પાણી પહોચાડવાનું આયોજન કર્યું છે. જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે. રાજ્યના જળાશયોની સ્થિતીની વિગતો આપતાં મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યના ૧૩ જળાશય-ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે જ્યારે નવું પાણી આવવાથી ૭ જળાશયો ૯૧ થી ૯૯ ટકા ભરાયા છે, પ૦ થી ૬૦ ટકા ભરાયેલા ર૪ જળાશયો છે.

મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં હવે એક પણ ગામ સંપર્ક વિહોણું રહ્યું નથી. ૪રપ માર્ગો રિપેર કરી દેવાયા છે. એટલું જ નહિ, સ્ટેટ હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૧૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધર્યું છે. વધુમાં NDRFની રર ટિમો રાજ્યમાં તહેનાત છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ-રાહત કામોમાં અસરકારક સહયોગ કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે આ વરસાદને પરિણામે ૧૪ વ્યકિતઓના પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થયા છે. ૧૮ જેટલા લોકોના વીજળી પડવાથી કે વીજ કરંટ લાગતાં અપમૃત્યુ થયા છે. ૧૬૦ જેટલા પશુઓના મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે.

વહીવટીતંત્રની સર્તકતા અને સમયસરના પગલાંને કારણે માત્ર ૬૬૧ વ્યકિતઓને જ રેસ્કયૂ કરવી પડી છે. ૪,૦ર૦ જેટલા સ્થળાંતરીત થયેલા લોકો માટે ૨૭,૩૦૦ જેટલા ફૂડ પેકેટસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે ર૯૦ થી વધુ હેલ્થ ટીમ મેલેરીયા, ઝાડા ઉલ્ટી, પાણીજન્ય રોગ તેમજ ઝેરી જાનવર કરડવા સામેની દવાઓથી સજ્જ થઇને કાર્યરત કરવામાં આવી છે. વરસાદ રહી જતાં કાંપ-કચરાની સાફ-સફાઇ અને આરોગ્ય વિષય પગલાંઓ તાત્કાલિક લેવા જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને ખાસ તાકિદ કરવામાં આવી છે.

આ વરસાદને કારણે મકાનો તથા ઘરવખરીને થયેલા નુકશાનના સર્વે માટે મહેસૂલ વિભાગ દ્વારા ૧૧ અસરગ્રસ્ત જિલ્લામાં ૩ર૪ ટીમો રચવામાં આવી છે તેની વિગતો આપતાં રુપાણીએ કહ્યું કે, કેશડોલ્સ-ઘરવખરીની નુકશાનીનો સર્વે કરી સહાય ત્વરાએ અપાશે. વરસાદને કારણે અસરગ્રસ્ત ૧૧ જિલ્લામાં ૭૮૯ ગામોને ખેતી જમીનનું નુકશાન થયું છે તેની પ્રાથમિક અંદાજોની વિગતો આપી હતી. જમીન ધોવાણના સર્વે માટે ૧ર૦ ટીમની રચના કરી છે. અંદાજે ૧ લાખથી વધુ હેકટર જમીનને આ વરસાદની અસર થયાનો પ્રાથમિક અંદાજ છે. મુખ્યપ્રધાને વરસાદને કારણે વીજપૂરવઠાને અસર થઇ હોય તેવા તમામ ૩પ૧પ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાયો છે તેમ જણાવ્યું હતું.


પીવાના પાણીના કલોરીનેશન તથા જ્યાં જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પહોચાડવા પણ સૂચનાઓ આપી છે. ગત વર્ષે જે ભારે વરસાદ થયો તે ગુજરાત ઉપર બે સિસ્ટમ કાર્યરત થવાને કારણે થયો હતો. આ વર્ષે ચોમાસાની મોસમમાં બંગાળના અખાતમાં સક્રિય થયેલી એક જ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે વ્યાપક વરસાદ થયો છે. હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. આ વ્યાપક વરસાદને પરિણામે એકંદરે રાજ્યમાં આ વર્ષે ખેતી પાક સારો થશે. એટલું જ નહીં, રાજ્યમાં પીવાના-ખેતીના પાણી માટે પણ સમસ્યા રહેશે નહીં.

CM રુપાણીએ કરેલી અતિવૃષ્ટિની સમીક્ષાનું તારણ
–       ગુજરાતનું એકપણ ગામ હવે સંપર્કવિહોણું નથી
–       NDRFની રર ટીમ બચાવ-રાહત માટે સતત કાર્યરત
–       ઘરવખરી નુકશાન સર્વે માટે મહેસૂલ વિભાગની ૩ર૪ ટીમ કાર્યરત
–       ૭૮૯ ગામોની ખેતીને નુકશાન-જમીન ધોવાણ સર્વે માટે ૧ર૦ ટીમની રચના કરાઈ
–       રોગચાળા અટકાયત આરોગ્ય સુવિધા માટે ર૯૦ ટીમો કાર્યરત કરાઈ
–        તંત્રની સર્તકતાને પગલે માત્ર ૬૬૧ વ્યકિતઓનું જ રેસ્કયૂ કરવું પડયું
–       ર૭,૩૦૦ ફૂડ પેકેટસ પહોચાડાયાં
–       ૪૦ર૦ લોકોનું સ્થળાંતર કરાયું
–       રાજ્યમાં ૪રપ માર્ગો રીપેર કરાયાં છે
–       ૧૧૧ રસ્તાઓનું મરામત કાર્ય ગતિમાં છે
–       ૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાઇ ગયાં
–       વીજ પુરવઠાને અસર પડેલા તમામ ૩,૫૧૫ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થયો 
–       વરસાદની અસર ઓછી થતાં સાફસફાઇ અને આરોગ્ય વિષયક પગલાં માટે જિલ્લાતંત્રોને તાકીદ કરાઈ
–       આ વર્ષના ચોમાસાના વ્યાપક વરસાદથી રાજ્યમાં એકંદર ખેતી પાક સારો થશે
–       પીવાના પાણીની સમસ્યા રહેશે નહીં