અમદાવાદ: દેશમાં સુરક્ષિત રાજ્યોમાંના એક ગણાતા ગુજરાતમાં એક ચોંકાવનાવી ઘટના બની હતી. મેટરનીટી હોસ્પિટલોના મહિલા સારવાર અને તપાસના વીડિયો હજારોના ભાવે ટેલીગ્રામ અને યુટ્યુબ પર વેચાય રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ વીડિયો રાજકોટની રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. જે બાદ અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ દરમિયા મહારાષ્ટ્રમાંથી બે આરોપી ઝડપાયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે.
મહિલાઓની સારવાર અને તપાસના પ્રાઈવેટ વીડિયો વાયરલ થયાની માહિતી અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવાતા અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ રાજકોટ પહોંચી ગઈ હતી અને સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરી ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની મંગળવારે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા. તપાસ કરતાં બે શકમંદોના નામ મળ્યા છે. જે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમને આપી દેવામાં આવ્યા છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે, વીડિયો અપલોડ થયા છે તે માત્ર પાયલ મેટરનીટી હોમના નથી પરંતુ બીજા રાજયની હોસ્પિટલોના પણ છે. અમુક વીડિયોમાં સાઉથ ઈન્ડિયન લેન્ગવેજ છે. જેના પરથી જ બીજા રાજયોની મેટરનીટી હોમના વીડિયો પણ અપલોડ કરાયાનું સ્પષ્ટ થયું છે. આ તમામ વીડિયોમાંથી અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનો સૌથી પહેલા ખુલાસો થતાં ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથોસાથ ગુજરાત કે બીજા કયા રાજયની મેટરનીટી હોસ્પિટલોના વીડિયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રથી બે આરોપી ઝડપાયા
રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે.
CCTVકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ
રાજકોટ પાયલ મેટરનીટી હોમમાં થયેલી ઘટનાના પગલે કોંગ્રેસે ઉગ્રે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકરોએ હોસ્પિટલે જઈ પાયલ હોસ્પિટલ હાય-હાય, હોસ્પિટલ બંધ કરો તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ ઉપરાંત હાજર ડોક્ટરો સાથે પણ દલીલબાજી થઈ હતી. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે હોસ્પિટલનાં લેબર રૂમમાં સીસીટીવી કેમેરા રાખવાનાં હોતા નથી, આમ છતાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જે બાબત ખુબ જ શરમજનક છે. જેનો વિરોધ કરવા હોસ્પિટલે ગયા હતા.
