પાટણ બાળ તસ્કરી કેસમાં આરોપીએ FSL અને SOG ની ટીમને ધંધે લગાડી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડૉ. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી મારી  છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ એક પછી મોટા ખુલાસા થઇ રહ્યા છે. બાળ તસ્કરીમાં બીજુ બાળક મળી આવ્યું છે. સમી નજીક જમીનમાં અન્ય બાળક દાટ્યાનું ખૂલ્યું છે. આરોપીઓને સાથે રાખી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. દાદર ગામ નજીક બનાસ નદીમાં બાળકને દફન કરાયું હતું. ત્યારે વધુ એક બાળક મળતા સમગ્ર પાટણમાં ચકચાર મચી ગઈ છે.

આ કેસમાં નકલી ડૉક્ટર સહિત ત્રણેય આરોપી હાલ 2 ડિસેમ્બર સુધી રિમાન્ડ છે અને તેમણે પોલીસ સમક્ષ બાળકને કમાલપુર બ્રિજ નીચે દાટી દીધાનું કબૂલ્યું હતું. ત્યારબાદ એફએસએફ અને એસઓજી ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એફએસએફ અને એસઓજી ટીમ ઘટનાસ્થળે પહોંચી ખોદકામ શરૂ કર્યું હતું આ દરમિયાન ખાડામાંથી મીઠું મળી આવ્યું હતું પરંતુ બાળકની લાશ મળી ન મળતાં અનુમાન છે કે બાળકની લાશને અહીંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર બાળ તસ્કરી કેસમાં વધુ બે નામ સામે આવ્યા છે. બાળ તસ્કરી મામલો બનાસકાંઠાના પાટણથી હવે કરછના આડેસર સુધી પહોંચ્યો છે અને સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ બે નવા નામ સામે આવ્યા છે. બાળ તસ્કરી કેસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું છે. નરેશ દેસાઈ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો અને ધીરેન ઠાકોર પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. બંને આરોપીની SOGએ અટકાયત કરી વધુ તપાસ શરુ કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં નવા નામ સામે આવ્યા છે. અગાઉ પાટણમાં બાળ તસ્કરી કેસમાં અન્ય આરોપીઓના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.