અમદાવાદમાં એબિલિટી ઓન વ્હીલ્સ, વ્હિલચેરવાળી પહેલી ટેક્સી

અમદાવાદ- ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર હરવા ફરવાની તકલીફ અનુભવતી દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી અને આરામથી પ્રવાસ કરી શકે તેવી સગવડ ઉભી થઈ છે. એબિલિટી ઓન વ્હીલ્સ દ્વારા શહેરની મેડોરા ટ્રાવેલ સર્વિસીસ સાથે ખાસ મોડીફાઈડ કરાયેલી કાર ભાડેથી ઉપલબ્ધ કરવા વ્યૂહાત્મક કરાર કરવામાં આવ્યો છે. આ પ્રયાસ હાલમાં પાયલોટ તબક્કે છે અને તેનો ઉદ્દેશ પ્રવાસનને પ્રોત્સાહિત કરવાનો છે અને તે ‘એસેસેબલ ઈન્ડિયા’ કેમ્પેઈનનો હિસ્સો બની રહેશે.આ પ્રોજેક્ટ ગુજરાત સરકારની ‘સ્ટાર્ટઅપ ગુજરાત’ યોજના હેઠળ શરૂ કરાયો છે અને તેને આ યોજના હેઠળ સંપૂર્ણ ભંડોળ પૂરૂ પાડવામાં આવશે. એલ જે નોલેજ ફાઉન્ડેશન તેની નોડલ એજન્સી છે. આ યોજનામાં વ્હીલચેરનો ઉપયોગ કરનાર વૃધ્ધ અને વિવિધ શારીરિક ક્ષતિ ધરાવતા લોકો તથા આર્થરાઈટીસની ભારે અસરને કારણે દર્દ થતાં હેરફેરમાં મુશ્કેલી અનુભવતા લોકોને ધ્યાનમાં રખાયા છે. એબીલીટી ઓન વ્હીલ્સના કન્સેપ્ટ દ્વારા શારીરિક મુશ્કેલી ધરાવતા (PwDs) વ્યક્તિઓને અનોખી મોબિલીટી સર્વિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડવામાં આવશે. આ સર્વિસ ફક્ત એપ-કેબ સર્વિસ નથી. 9429633859 નંબર પર ફોન કરીને કાર બુક કરી શકાશે. હાલ આ સેવા અમદાવાદમાં શરૂ થઈ રહી છે.એબીલીટી ઓન વ્હીલ્સના સ્થાપક હરીશકુમાર જણાવે છે કે “અમે એક મોડીફાઈડ રેનોલ્ટ લોજી દ્વારા પાયલોટ તબક્કાનો પ્રારંભ કર્યો છે, જેમ માંગ વધતી જશે તેમ અમે ક્રમશઃ અમારા કાફલામાં વૃધ્ધિ કરીશું. વ્હીલચેર ઉપલબ્ધ હોય તેવા વાહનને કારણે વ્હીલચેરમાંથી કારની સીટમાં તબદીલ થવાની જરૂર રહેશે નહીં. આ એક મોટી રાહત બની રહેશે અને તેને કારણે ખભા ઉપર થતું બિનજરૂરી દબાણ અટકાવી શકાશે. વ્હીલચેર વાપરનાર જાતે તબદીલ થશે અથવા તેને તબદીલ થવામાં કેરગીવર દ્વારા સહાય કરવામાં આવશે. એકંદરે આ પ્રકારની સર્વિસીસથી જે લોકો શારીરિક ક્ષતિનો સામનો કરી રહ્યા છે તેમના માનસમાં આત્મવિશ્વાસ વધશે અને બીજા ઉપર આધાર રાખવાનું ઘટશે અને તેમને પ્રોડક્ટીવ લાઈફ માણવાની તક મળશે.”હરીશ શારીરિક ક્ષતિ ધરાવતી વ્યક્તિ છે અને લીમ્કા બુક ઓફ રેકર્ડમાં બે રેકર્ડ ધરાવે છે. તે ભારતમાં શારીરિક ક્ષતિ ધરાવતી એવી વ્યક્તિ છે કે જેણે એકલે હાથે ઓલ  ઈન્ડિયાનો પ્રવાસ હાથ ધરીને 28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડ્રાઈવીંગ કરીને 16,000 કી.મી.નું અંતર 29 દિવસમાં પાર કર્યું છે. તેમણે 129 કલાકમાં એકલે હાથે ફોર વ્હિલર દ્વારા યાત્રા કરીને 6,000 કી.મી.નો ગોલ્ડન ક્વાડ્રીલેટ્રલનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. તેમના વ્યક્તિગત અનુભવને કારણે તેમને પોતાની આશાસ્પદ કોર્પોરેટ કેરિયર છોડવાની પ્રેરણા થઈ હતી અને એબીલીટી ઓન વ્હીલ્સ દ્વારા એવો પ્રયાસ હાથ ધરાયો છે કે જેમાં ક્ષતિ ધરાવતા લોકોને તાલીમ આપીને તેમના માટે ખાસ મોડીફાઈડ કરેલી ઈ-રિક્ષાઓ ચલાવતા કરવામાં આવશે.