આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાના ૩૫ વર્ષીય નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના બનતાં જ તેમને તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી સ્થિતિ ગંભીર જણાતાં વધુ સઘન સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ત્યાં આઈસીયુ (ICU) વોર્ડમાં તબીબોની સઘન દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે.

પ્રાથમિક વિગતો મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સાત વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદથી તેમના નાના ભાઈ શાંતિલાલ માનસિક આઘાત અને તીવ્ર તણાવમાં રહેતા હતા. આ માનસિક તાણ સહન ન થતાં તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે.
બનાવની જાણ થતાં જ સમગ્ર પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ આપઘાતના પ્રયાસ પાછળના સત્તાવાર કારણો અને દર્દીની વર્તમાન આરોગ્ય સ્થિતિ અંગે હોસ્પિટલ પ્રશાસન કે પોલીસ તરફથી સ્પષ્ટતા બાદ વધુ વિગતો બહાર આવશે.






