અમદાવાદઃ આમ આદમી પાર્ટીની રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સજ્જડ હાર થઈ હતી. પક્ષના દિગ્ગજ નેતાઓ પણ ન પોતાની બેઠક પર જીતી શકતા ગુજરાત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની અટકળો લગાવાઈ રહી હતી. જેથી આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષપદ પરથી હટાવવામાં આવ્યા છે તેમની જગ્યાએ ઇશુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આપના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રમેશ પટેલને ઉત્તર ગુજરાના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જગમલ વાળાને સૌરાષ્ટ્રના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. જેવલ વસરાને મધ્ય ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે અને કૈલાશ ગઢવીને કચ્છના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ફરી વાર સક્રિય થઈ છે. આજે સંગઠનને મજબૂત કરવા તેમ જ આગળના કાર્યક્રમો માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક બેઠક મળી હતી.
https://twitter.com/AamAadmiParty/status/1610560410561949696?
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે. હવે પાર્ટી ફરી વાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. એ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઝંપલાવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે.