દિવ્યાંગ બાળકોનો ગાયત્રી સાધનામાં બન્યો વિશ્વ રેકોર્ડ

 સુરતઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની રચનાત્મક અને સુધારાત્મક કાર્યક્રમો માટે વિશ્વમાં એક અલગ ઓળખ છે. હાલમાં ગાયત્રી પરિવારે ગાયત્રીની ત્રિવિધ સાધનામાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, જેમાં ગાયત્રી મંત્ર લેખન, બ્રેલ લિપિ સાઇન લેન્ગ્વેજ અને યુગઋષિ પં. શ્રીરામ શર્માજીના અવાજમાં ગાયત્રી મંત્ર સાધનામાં વિશ્વ રેકોર્ડ બન્યો છે.

વિશ્વ વિકલાંગ સપ્તાહ અંતર્ગત ચલાવવામાં આવેલી ઝુંબેશમાં ગુજરાતની 32 વિવિધ સ્કૂલોમાં અધ્યયનરત 3315 દિવ્યાંગ બાળકોએ સવારે 11.30થી 12 કલાકની વચ્ચે એક સમયમાં ગાયત્રીની ત્રિવિધ સાધના કરી છે. સુરત, અમદાવાદ, ભાવનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, વડોદરા, મોડાસા, અમરેલી, ગોધરા, પાટણ વગેરે સ્થળોમાં અધ્યયનરત દિવ્યાંગ બાળકોએ ગાયત્રી મંત્ર લખ્યા હતા.

વિશ્વ રેકોર્ડ ઇન્ડિયા બનાવનારી સંસ્થાના પ્રતિનિધિઓની વચ્ચે 3315 દિવ્યાંગ બાળકોએ તન્મયતાથી હાથ તથા પગથી ગાયત્રી મંત્ર લખ્યા છે. સુરદાસથી માંડીને વિકલાંગ બાળકોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો.આ અભિયાન ગાયત્રી તીર્થ શાંતિકુજના તત્વાવધાનમાં ચાલનારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા કાર્યક્રમના અંતર્ગત ચલાવવામાં આવ્યો હતો. આ સફળતા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યા અને શૈલદીદીએ કર્મઠ પરિવારજનોને શુભેચ્છાઓ આપી હતી.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારને આ સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ અભિયાન દિવ્યાંગ બાળકો માટે એક સોનેરી તક છે. આ અભિયાનમાં રાજ્યનાં હેમાંગિનીબહેન દેસાઈ, પ્રહરસાબહેન મહેતા, શાંતિકુંજના કીર્તનભાઈ દેસાઈ વગેરેની પ્રશંસનીય ભૂમિકા રહી હતી.