ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે અદ્દભુત ‘વોટર ફેસ્ટિવલ’ યોજાયો

ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે યોજાયેલા શાનદાર વોટર ફેસ્ટિવલે પ્રેક્ષકો વચ્ચે જબરજસ્ત આકર્ષણ જમાવ્યું હતું. અહીં રમણીય સાંજે યોજાયેલા આ મનોરંજક કાર્યક્રમે, સમગ્ર ઐતિહાસિક પરિસરને સંગીત અને સંસ્કૃતિના ભવ્ય મંચમાં પરિવર્તિત કરી દીધું હતું. આ શાનદાર ઇવેન્ટમાં સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે પ્રસિદ્ધ કલાકારોની સુંદર પ્રસ્તુતિ તેમજ સ્થાપત્ય વૈભવ, ઇતિહાસ અને સંગીતનો ભરપૂર આનંદ માણ્યો હતો.

અહીં 15મી સદીની વાવના અદભુત બેકગ્રાઉન્ડમાં યોજાયેલા વોટર ફેસ્ટિવલમાં ભારતના કેટલાક શ્રેષ્ઠ કલાકારોની શાનદાર રચનાઓ રજૂ કરવામાં આવી હતી. ઉસ્તાદ ફઝલ કુરેશીના તબલા, અંબી સુબ્રમણ્યમના વાયોલિન અને સ્ટીફન દેવાસીના કીબોર્ડ પર્ફોર્મન્સે લોકોનું મન મોહી લીધું હતું. મીર મુખ્તિયાર અલીના કબીર વાણીના મધુર ગીત અને ભાવનાત્મક પ્રદર્શને સમગ્ર વાતાવરણને જીવંત બનાવ્યું હતું. આની સાથે જ, ઘટમ પર ગિરધર ઉડુપા, ડ્રમ્સ પર અરુણ કુમાર, ઢોલક પર નવીન શર્મા, બાસ પર પૃથ્વી સેમ્યુઅલ અને સારંગી પર ઇલ્યાસ ખાને પણ પોતાની પ્રસ્તુતી સાથે 3000 થી વધારે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કેરળની કથકલી સ્કૂલ દ્વારા પ્રસ્તુત એક ખાસ પ્રદર્શનમાં, શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓની સાથે-સાથે સ્ટોરીટેલીંગ(વાર્તા કથન) ને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ મનોરંજક સાંજનું સંચાલન જાણીતી અભિનેત્રી સુચિત્રા પિલ્લઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

હંમેશાની જેમ જ, ફેસ્ટીવલની આકર્ષક લાઇટિંગ ડિઝાઇને અડાલજ ની વાવને શાનદાર જીવંત બનાવી હતી. સુંદર રોશનીએ સ્થાપત્યની તેજસ્વીતાને ઉજાગર કરી હતી, જેનાથી પ્રેક્ષકોને વાવને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં જોવાનો અવસર મળ્યો હતો.

ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા સમગ્ર ભારતમાં લોકો અને સાંસ્કૃતિક વારસા વચ્ચે વધુ જોડાણને સરળ બનાવવાનું પોતાનું મિશન સતત જારી રાખવામાં આવ્યું છે. હવે આ યાત્રા, 12મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ગોલકોંડા ફોર્ટ ફેસ્ટિવલની સાથે ગુજરાતની બહાર આગળ વધશે.

ભરતનાટ્યમ અને લોકનૃત્યકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત, ક્રાફ્ટ ઓફ આર્ટ પહલ હેઠળ, વિતેલા દોઢ દશક દરમિયાન ખાસ કરીને યુવા પેઢીઓને, ભારતના ઐતિહાસિક સ્મારકો સાથે જોડવામાં આવ્યા છે. આ પહેલ અંતર્ગત, વિવિધ મનોરંજક ઈવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જે ભારતના ઐતિહાસિક સ્મારકો અને સ્થાપત્યોની સુંદરતાને ઉજાગર કરે છે.