સૂરત- લગ્ન પ્રસંગે કંઈક હટકે કરવા માટે અનેક પ્રકારની થીમ નક્કી કરવામાં આવે છે. ફૂડથી લઈને ફેશન સુધી બધું પર્ફેક્ટ કરવા માટે તબક્કાવાર આયોજન થાય છે. બીજી તરફ કાર્ડ અને કંકોત્રીનો ટ્રેન્ડ પણ ઓછો થયો નથી. અત્યાર સુધી અનેક પ્રકારના ટહુકાઓ કંકોત્રીમાં તમે વાંચેલા હશે. પરંતુ, સૂરતમાંથી એક કંકોત્રી સામે આવી છે જેમાં વરવધૂએ લગ્ન પ્રસંગે કોઈ ગિફ્ટ નહીં પણ લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને મત આપવા માટેની અપીલ કરી છે.
છોકરાના પિતાએ આશીર્વાદમાં નરેન્દ્ર મોદીને મત આપવા માટે કહ્યું છે. સુરતના દંપતિએ પોતાના પુત્રના લગ્ન માટે આ કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું. જોકે, ગિફ્ટ આપવાને બદલે મોદીને મત આપવાનું પ્રિન્ટ કરાવવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2019માં યોજાનારી ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપવા અપીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ચૂક્યું છે. દરેક નાની-મોટી રાજકીય પાર્ટીઓ પ્રચારમાં કમરતોડ મહેનત કરી રહી છે. આ માહોલ વચ્ચે એક વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે. વાઈરલ થયેલા આ વેડિંગકાર્ડમાં વર-વધૂના નામ તો છે જ. પરંતુ, 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને વોટ આપવો એ અમારી ગિફ્ટ છે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
માત્ર સૂરત જ નહીં મેંગ્લુરુના એક પરિવારે પણ મોદી સરકારના શાસનમાં શરૂ થયેલી યોજનાઓનો કંકોત્રીમાં ઉલ્લેખ કરીને એક રીતે ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. ત્યાર બાદ મોદીને મત આપવા અપીલ કરવામાં આવી છે.
વડા પ્રધાન મોદીનું સમર્થન કરનારાઓએ પોતાના લગ્નના કાર્ડમાં સ્વચ્છતા અભિયાનનો લોગો પણ પ્રિન્ટ કરાવ્યો હતો. જેના પર વડા પ્રધાન મોદીએ સ્વીકૃતિ બતાવીને મેસેજ રિટ્વિટ કર્યો હતો. જોકે, લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ અનેક પ્રકારે પ્રચાર કરતી હોય છે. પરંતુ, આ વખતે કંકોત્રીમાં પ્રચારથી એક નવો પ્રયોગ શરૂ થયો છે.