અમદાવાદઃ રાજ્યના આદિવાસી વિસ્તારોમાંના એક એવા દાહોદની આસપાસનાં ગામોમાંથી હજારો લોકો શહેરમાં રોજગારી માટે આવે છે. આ વિસ્તારના બે શિક્ષિત યુવાનને અમદાવાદમાં એપ્રેન્ટિસ માટેનો ઓર્ડર આવ્યો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બેઉ યુવાનો શહેરનો ઓર્ડર આવતા જ બિસ્તરો ભરી માલસામાન સાથે અમદાવાદમાં ઊતરી ગયા. પણ રોકાવાનું ક્યાં..? આ યુવાનો પાસે પૈસા નહોતા. રહેવા માટે કોઈ જગ્યા નહોતી. શહેરમાં સગાંસંબંધી પણ નહીં.
આવે વખતે કોઈના માર્ગદર્શનથી તાજેતરમાં જ બનેલા અમદાવાદના પૂર્વ વિસ્તારના ઓઢવ પાસેના ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાનમાં પહોંચી ગયા. ઓઢવના નવનિર્મિત ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાનમાં એમને આશરો મળી ગયો..બાકી મોંઘીદાટ હોટેલો, ગેસ્ટ હાઉસનાં ભાડાં ના ભરી શકે એવા આ યુવાનો એકદમ રડમસ અને નાસીપાસ થઈ ગયા હતા. આ હ્રદયસ્પર્શી વાત કરનાર દ્રષ્ટિ ફાઉન્ડેશનના દિનેશ ગૌતમ ચિત્રલેખા.કોમને કહે છે, તાજેતરમાં જ શરૂ થયેલા ઓઢવના ઘરવિહોણા લોકોના આધુનિક સ્થાનમાં આવા અનેક જરૂરિયાતવાળા લોકો આવે છે. અહીં એવા તમામ પ્રકારના લોકો રહી શકે છે, જે નોકરી, ધંધો, વ્યવસાય, છૂટક મજૂરી, અભ્યાસ કરવા અમદાવાદમાં આવ્યા છે કે આવવું છે, પરંતુ શહેરમાં રહેઠાણ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરમાં આ પહેલથી પગભર થવા આશરો મળે છે.
સરકારના કેટલાક લોકોપયોગી પ્રોજેક્ટમાંનો એક સુંદર પ્રયોગ છે. અમદાવાદનું આ એક અનોખું, વિશાળ અને સુવિધાઓ અને તાલીમબદ્ધ માણસોના સ્ટાફ સાથેનું આશ્રય સ્થાન કહી શકાય.
દિનેશ ગૌતમ કહે છે, રહેવાની મફત સુવિધા સાથે રાત્રિનું મફત ભોજન, RO સાથેનું ઠંડું પીવાનું પાણી, નાહવાનું ગરમ પાણી, લિફ્ટ, ફાયર સેફ્ટીની સુવિધા, દરેક માળે રસોડું સ્ટોર રૂમ અને ગેસ કનેક્શન, ફેમિલી માટે ફેમિલી રૂમ, મહિલા ઓ માટે અલગ રૂમની વ્યવસ્થા, પુરુષો માટે અલગ રૂમની વ્યવસ્થા, મહિલા અને પુરુષ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા, દિવ્યાંગજનો માટે અલગ બાથરૂમની વ્યવસ્થા, સૂવા માટે દરેકને પલંગ, દરેક વ્યક્તિ માટે ગાદલા, ઓશિકાં ચાદરની સુવિધા, દરેકને લોકર, પાર્કિંગ, મનોરંજન માટે ટી.વી અને સુરક્ષા માટે CCTVથી આ આશ્રયસ્થાનને સજ્જ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી તૈયાર કરવામાં આવેલા આ ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાનને ચલાવવા જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે દ્રષ્ટિ ફાઉન્ડેશને વિનામૂલ્યે સેવા આપવાનું નક્કી કર્યુ.
દિનેશભાઈ કહે છે કે હું મૂળ હરિયાણાનો છું. જ્યાં દીકરીઓની સ્થિતિ વિશે સૌ વાકેફ છે. મારે પણ દીકરી છે એનું નામ દ્રષ્ટિ છે. NGO દ્રષ્ટિ ફાઉન્ડેશન શરૂ કરી એ મારી દીકરીના નામ પરથી છે. મેં નક્કી કર્યું છે. સમાજની થાય એટલી સેવા કરવી. ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાનમાં સેવા આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એકલા અમદાવાદમાં જ ઘણાં રેન બસેરા, ઘરવિહોણા લોકોના નવાંજૂનાં આશ્રયસ્થાનો કાર્યરત છે, પણ ઓઢવનું આ આશ્રયસ્થાન વિશાળ સંકુલ, સગવડો સાથે અનોખું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)