અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીથી નજીક આવેલા ભાડજના સુપર સિટીના પ્રાંગણમાં ‘ફ્રેન્ડશિપ ડે’ ના દિવસે એક અનોખો ‘મેડિકલ ચેકઅપ કેમ્પ’ યોજવામાં આવ્યો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પની વિશેષતા એ હતી કે એનું આયોજન બારમા ધોરણમાં અભ્યાસ કરતી જેનિશા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેનિશા પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની છે. પોતાના પરિવારના ઉમદા વિચારો સમાજને મદદ કરવાની ભાવનાથી તેને સામાજિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરણા મળી છે. શાળામાં પણ સતત આપણી આસપાસમાં રહેતા જરૂરિયાતમંદ લોકો અને બાળકોને મદદરૂપ થવાની ભાવના તરફ પ્રેરવામાં આવે છે.
સુપર સિટીના મહાદેવના પ્રાંગણમાં યોજાયેલા મેડિકલ કેમ્પ વિષે તે ચિત્રલેખા. કોમને કહે છે, હું જ્યારથી સમજણી થઈ ત્યારથી સામાજિક પ્રવૃત્તિઓ કરું છું. મહિલાઓની સમસ્યાઓમાં તેમને સમજણ આપું અને મદદરૂપ થઈ ચીજવસ્તુઓ પૂરી પાડું. દાદા અને પિતાના બિઝનેસમાં જોડાયેલા હજારો કામદારો, શ્રમિકોને કોરોનાના કપરા સમયથી માંડી હાલના (કન્જક્ટિવાઇટિસ) આંખો આવવી જેવી તમામ સમસ્યાઓમાં ખડે પગે રહી મદદ કરું.અમારી સંસ્થા સાથે જોડાયેલા એક કર્મચારીની દીકરી પૂજા ગળામાંથી ખોરાક જ નહોતી ઉતારી શકતી. પૂજાના ગળામાં આંગળી નાખી ખોરાક ઉતારવો પડતો એની સારવાર કરાવી. હજુ એ સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી હું સારવાર કરાવીશ.
તે કહે છે આજે જે મેડિકલ કેમ્પ યોજાયો એમાં 2000 કરતાં વધારે લોકો એ લાભ લીધો હતો. આ મેડિકલ ચેકઅપમાં ધનુરની રસી, આંખનાં ટીપાં તેમ જ અન્ય સમસ્યાઓની તપાસ કરવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમની સેવા લેવામાં આવી હતી. મારે મન આ એક સેવા યજ્ઞ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)